ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttrakhand) વરસાદના (Rain) કહેરનાં કારણે તૂફાન આવ્યો છે. જાણકારી મુજબ વરસાદના કારણે રાજ્યમાં 48 કલાકમાં 60 લોકોના મોત (Death) થયા છે. આ દુર્ઘટનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના એંધાણ પણ છે. ત્યારે આ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત મદમહેશ્વરનો રાજ્યના અન્ય ભાગોથી સંપર્ક કપાઈ ગયો છે. બંટોલી પાસે ફૂટ બ્રિજ ધરાશાયી થવાને કારણે અંદાજે 20થી 30 લોકો ફસાયા હતા. મંગળવારે અમુક લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું જ્યારે આજે બાકીનાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. SDRF અને DDRFની ટીમો સ્થળ પર હાજર છે.
મદમહેશ્વર બાકીના રાજ્યથી કપાઈ ગયું
14મી ઓગસ્ટની રાત્રે પડેલા મુશળધાર વરસાદે કેદારઘાટીમાં તબાહી મચાવી હતી. મદમહેશ્વર ઘાટીમાં મદમહેશ્વરને જોડતો ફૂટ બ્રિજ ધરાશાયી થયો હતો. જેના કારણે લગભગ 20થી 30 લોકો ત્યાં ફસાયા હતાં. ત્યારે આજે વહીવટીતંત્રે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી. ફસાયેલા 20 લોકોને બચાવી લેવાયા હતા. બંટોલી ગામને જોડતો ગૌડાર પુલ લગભગ 30 મીટર સુધી તૂટી ગયો છે. યાત્રાળુઓ ઉપરાંત સ્થાનિક લોકો પણ ત્યાં ફસાયેલા છે. મદમહેશ્વર જેને પંચકેદારમાંનો એક માનવામાં આવે છે જ્યાં પાંડવોએ તપસ્યા કરી હતી.
કાટમાળમાં દટાયેલા લોકોની શોધ ચાલી રહી છે
ઉત્તરાખંડમાં વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને પગલે કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ મંગળવારે ચાલુ રહી કારણ કે ગૌરીકુંડ અને મોહનચટ્ટીમાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા. વિવિધ ઘટનાઓમાં 21 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે. રુદ્રપ્રયાગના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે 4 ઓગસ્ટે ગૌરીકુંડ અકસ્માતમાં ગુમ થયેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મુંકટિયા નજીક નદી કિનારેથી મળી આવેલો મૃતદેહ એક છોકરીનો છે જેની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે જ આ ઘટનામાં ગુમ થયેલા 23 લોકોમાંથી અત્યાર સુધીમાં આઠ મૃતદેહો મળી આવ્યા છે. બાકીના 15 ગુમ લોકોની શોધ ચાલુ છે. મંગળવારે પૌરી જિલ્લાના મોહનચટ્ટીમાં ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આ ઘટનામાં ગુમ થયેલા અન્ય ત્રણ લોકોની શોધ ચાલી રહી હતી એવું પોલીસે જણાવ્યું હતું.
હિમાચલ યુનિવર્સિટીએ 19 ઓગસ્ટ સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરી
હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ ચાલુ છે. ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભૂસ્ખલનને કારણે અનેક મકાનો પણ ધરાશાયી થઈ છે. શિમલામાં સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. હિમાચલ યુનિવર્સિટીએ મુશળધાર વરસાદનાં કારણે 19 ઓગસ્ટ સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે તેમજ લાઇબ્રેરી પણ 20 ઓગસ્ટ સુધી બંધ રાખી છે.