National

PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભમાં વિપક્ષને ઘેરી કહ્યું કે મેં 2018માં કહ્યું હતું કે 2023માં ફરી આવજો, પરંતુ તમે…

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે ​​લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ (Motion of no confidence પર પોતાનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષો પર એક પછી એક આકરા પ્રહારો જ નહી પરંતુ તીખા પ્રહારો પણ કર્યા. આ દરમિયાન પીએમએ કહ્યું કે આ પ્રસ્તાવ પર તમે કેવા પ્રકારની ચર્ચા કરી છે. હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો છું કે તમારા દરબારીઓ પણ ખૂબ દુઃખી છે. વિપક્ષે ફિલ્ડિંગ ગોઠવી હતી પરંતુ અહીંથી (શાસક પક્ષ) ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. વિપક્ષ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે તમે તૈયાર થઈને કેમ નથી આવતા. મેં તમને 2018 માં કહ્યું હતું, તમે તમારા પાંચ વર્ષ આપ્યા પછી પણ તે કરી શક્યા નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો છે. આ પહેલા ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો. આ પછી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે દેશભરમાં મુસ્લિમો પર થતા અત્યાચારની વાત કરી હતી. ઓવૈસીએ ચીન અને હરિયાણામાં નૂહનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ પછી TMC સાંસદ મહુઆ મોઇત્રાએ મણિપુર હિંસા પર સરકારને ઘેરી હતી.

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની જનતાએ વારંવાર અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હું અહીં દેશના કરોડો લોકોનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. આજે હું જોઉં છું કે તમે (વિપક્ષે) નક્કી કર્યું છે કે લોકોના આશીર્વાદથી NDA અને BJP અગાઉના તમામ રેકોર્ડ તોડીને જોરદાર જીત સાથે વાપસી કરશે. પીએમએ કહ્યું કે ભગવાન ખૂબ જ દયાળુ છે અને તેઓ કોઈને કોઈ માધ્યમથી તેમની ઈચ્છાઓ પૂરી કરે છે. હું તેને ભગવાનનો આશીર્વાદ માનું છું કે ભગવાને વિપક્ષને સૂચવ્યું અને તેઓ પ્રસ્તાવ લઈને આવ્યા… મેં 2018 માં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કહ્યું હતું કે આ અમારા માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ તે તેમના માટે ફ્લોર ટેસ્ટ છે અને પરિણામે તેઓ ચૂંટણી હારી ગયા.

સદનમાં પ્રથમ દિવસે શું થયું હતું?
ગૌરવ ગોગોઈએ મણિપુર હિંસા અંગે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. તે સ્પીકર દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારથી ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, મણિપુરમાં હિંસા પર ડબલ એન્જિન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ગોગોઈએ પૂછ્યું કે, વડાપ્રધાન મણિપુર કેમ ન ગયા? મણિપુરના મુખ્યમંત્રીને કેમ હટાવવામાં ન આવ્યા? મણિપુર પર બોલવા માટે તેમને 80 દિવસ કેમ લાગ્યા?

જવાબમાં બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ એક ગરીબ માણસના પુત્ર સામે લાવવામાં આવ્યો છે. ઠરાવ એ વ્યક્તિ વિરુદ્ધ છે જેણે લોકોના કલ્યાણની વાત કરી હતી. સોનિયા ગાંધી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવનો એક માત્ર સૂત્ર એ છે કે પુત્રને બેસાડવો અને જમાઈને ભેટ આપવ.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિપક્ષ ખોટા સમયે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. આજે જ્યારે પીએમ વિશ્વના નેતા તરીકે ઉભરી આવ્યા છે અને દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે ત્યારે આવા પ્રસ્તાવની જરૂર નહોતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે જ આ ક્ષેત્ર (પૂર્વોત્તર) પર વિશેષ ધ્યાન આપ્યું છે અને ઘણા ભાગોમાં રેલ લાઈનો નાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઈચ્છે છે કે પૂર્વોત્તર વિકાસનું એન્જિન બને. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ભાગ્યે જ પૂર્વોત્તર રાજ્યોના સાંસદોને મળ્યા હતા, જ્યારે તેઓ પોતે રાજ્યસભામાં આસામનું પ્રતિનિધિત્વ કરતા હતા. રિજિજુએ મણિપુરની વર્તમાન સમસ્યાઓ માટે અગાઉની કોંગ્રેસ સરકારોના બેદરકાર વલણને જવાબદાર ઠેરવ્યું હતું.

સદનમાં બીજા દિવસે શું થયું?
સાંસદ ભવનમાં અવિશ્વાસ પ્રસ્તાવના બીજા દિવસે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. મણિપુર પ્રવાસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા દિવસો પહેલા હું મણિપુર ગયો હતો, પરંતુ અમારા પીએમ એટલા માટે ન ગયા કારણ કે મણિપુર તેમના માટે ભારત નથી. મણિપુરનું સત્ય એ છે કે મણિપુર બચ્યું નથી. તમે મણિપુરને બે ભાગમાં વહેંચી દીધું. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ભારતમાતાની હત્યા કરી છે. આ ઉપરાંત સાંસદ ભવનમાં ચર્ચા પછી બહાર નીકળી વખતે રાહુલ ગાંધીએ આપેલી ફલાઈંગ કિસનો મામલો પણ ચર્ચાયો હતો. જેને સ્મૃતિ ઈરાનીએ મહિલાઓ માટેનું અભદ્ર વર્તન ગણાવ્યું હતું.

શા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો?
મોદી સરકાર બહુમતીમાં છે. આવી સ્થિતિમાં વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત માનય ન ગણાશે તે સ્પષ્ટ છે. મોદી સરકાર પાસે પૂર્ણ બહુમતી હોવા છતાં વિપક્ષ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યો છે. કારણકે વાસ્તવમાં વિપક્ષી દળોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરના મુદ્દે ગૃહમાં કોઈ જવાબ નથી આપી રહ્યા, પરંતુ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે તો વડાપ્રધાને ગૃહની અંદર તેના પર જવાબ આપવો પડશે.

Most Popular

To Top