નવી દિલ્હી: હાલ ઈ-કોમર્સનો (E-Commerce) જમાનો ચાલી રહ્યો છે. ઘરબેઠાં મનગમતી વસ્તુ ઓર્ડર કરીને તમે મેળવી શકો છો આ માટે તમારે બહાર માર્કેટમાં જવાની પણ જરૂર રહેતી નથી તેમજ આ પ્લેટફોર્મ પર જે તે વસ્તુઓનાં ભાવ પણ નકકી કરવામાં આવ્યાં હોય છે તેથી ખરીદનારે ભાવતાલ કરાવવાની જરૂર પણ રહેતી નથી. જો કે ઓનલાઈન માર્કેટમાં નકલી અને સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સની ભરમાર પણ ઘણી વખત જોવા મળે છે. ઈ-કોમર્સ કંપનીઓએ આવી વસ્તુઓનાં સફાઈ માટે કામગીરી શરૂ કરી દીધી છે.
સોફ્ટબેંક સમર્થિત ઈ-કોમર્સ કંપની મીશોએ મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા છ મહિનામાં તેના પ્લેટફોર્મ પરથી લગભગ 42 લાખ નકલી અને ઉલ્લંઘનકારી ઉત્પાદનો અને 10 લાખ પ્રતિબંધિત ઉત્પાદનોને દૂર કરવામાં આવ્યા છે. આ સાઇટ પરના 5% ઉત્પાદનો નકલી છે. મીશોના એક અધિકારીએ જણાવ્યું કે દૂર કરવામાં આવેલ ઉત્પાદનો મીશોના પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કુલ ઉત્પાદનોના પાંચ ટકાથી ઓછા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, ‘પ્રોજેક્ટ સિક્યોરિટી’ સિસ્ટમે ઉલ્લંઘન કરનારા 12,000 થી વધુ વેચાણકર્તાઓના એકાઉન્ટ્સ શોધી કાઢ છે અને પ્લેટફોર્મ પર તેમની ઍક્સેસને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. મીશો દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, “પ્રોજેક્ટે પ્રભાવશાળી પરિણામો આપ્યા છે. છેલ્લા છ મહિનામાં, પ્લેટફોર્મ પરથી લગભગ 42 લાખ નકલી ઉત્પાદનો અને 10 લાખ પ્રતિબંધિત ઉત્પાદનો હટાવવામાં આવ્યા છે.
કંપનીઓ તકેદારી વધારી રહી છે
ભારતમાં લગભગ તમામ ઈ-કોમર્સ કંપનીઓ આગામી એક સપ્તાહમાં સ્વતંત્રતા દિવસ સેલ લાવવા જઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને ગ્રાહકો સાચા અને ખોટા ઉત્પાદનોની ઓળખ કરે તે જરૂરી છે. કંપનીના સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર સંજીવ બરનવાલે જણાવ્યું હતું કે, કંપનીએ ગુણવત્તાની તપાસમાં સતત સુધારો કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા નકલી ઉત્પાદનો અને વેચાણકર્તાઓને અસરકારક રીતે ઓળખવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેનાં પરિણામો સારા મળ્યાં છે. અને આવા તમામ ફ્રોડ ઉત્પાદકો તેમજ જે વિક્રેતાઓ ખોટી અને ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચે છે તેઓ સામે કડક પગલા ભરવામાં આવ્યાં છે.