ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની ભાવભીની વિદાય થયા બાદ તેમના સ્થાને ભરૂચના SP તરીકે મયુર ચાવડાએ (SP Mayur Chavda) ચાર્જ લીધો છે. ભરૂચમાં નવા SP એ ચાર્જ સંભાળ્યાની સાથે જ SOGએ પાલેજથી લંકા ટી-20 પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો (Online Cricket Betting) રમાડતા પિતા-પુત્રને ઝડપી ક્લિન બોલ્ડ કરી દીધા છે.
ઓનલાઈનના વર્તમાન સમયમાં હવે ક્રિકેટ સટ્ટો અને ગેમિંગ પણ ભારે ડિમાન્ડમાં હોવાથી સટ્ટોડિયા તેની તરફ વળી ગયા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મયુર ચાવડાએ ચાર્જ સંભાળતા જ LCB, SOG સહિત જિલ્લા પોલીસને તમામ ગેરકાયદે પ્રવૃત્તિ પર બાજ નજર રાખી લો એન્ડ ઓર્ડર જાળવવા સૂચના આપી હતી. તે દરમિયાન SOG પી.આઈ. આનંદ ચૌધરીને પાલેજમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે PSI એલ.આર.ખટાણા, શૈલેષ વસાવા, સુરેશ વણઝારા અને ટીમે દરોડો પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલેજના માછીવાડમાં રહેતા પિતા-પુત્ર અત્તાઉલ્લાખાન હબીબખાન પઠાણ અને તોસિફખાન લંકા ટી-20 પર ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપાઇ ગયા હતા. પિતા-પુત્રના 6 મોબાઈલ, એક લેપટોપ અને રોકડા રૂપિયા 37 હજાર મળી કુલ રૂ.1,18,360 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી.
બંને આરોપીઓએ કબુલ્યું હતું કે, તેઓએ થોડા મહિના પેહલા કાઠિયાવાડના બબલુ અને UK નો નંબર ધરાવતા ઉમા નામના શખ્સ પાસેથી રૂ.20 લાખની ક્રેડિટ પર Letsbets.com, betsfactor247 અને allpaanel નામની એપ્લિકેશન ખરીદી હતી. જે આધારે આ બન્ને આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં ઓફિસમાં એપ્લીકેશનના માધ્યમથી સટ્ટો રમાડનાર 11 લોકોની ધરપકડ કરી હતી
મોટા વરાછા ખાતે તુલસી આર્કેડમાં ટ્રાયોનિક્સ સોલ્યુશનના નામે ઓફિસમાં એપ્લીકેશનમાંથી સટ્ટો રમાડનાર 11 જણાની પોલીસે ધરપકડ કરી હતી. તથા 3 સંચાલકોને વોન્ટેડ જાહેર કરી ઓફિસમાંથી કુલ 5.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. દરમિયાન પોલીસને 200 કરોડ કરતા વધારેના વ્યવહારો મળ્યા હોવાની વિગત જાણવા મળી છે. તેમાં 29 જાતની એપ્લીકેશન ડાઉનલોડ કરીને તેમાં નાણા નાંખવામાં આવતા હતા. સુરતમાં તમામ હિસાબ કિતાબ સ્થાનિક ઓફિસેથી કરવામાં આવતો હતો.
આ કેસમાં પોલીસને સ્થળ પરથી જે લેપટોપ મળ્યા હતા. તેમાં 200 કરોડ કરતા વધારેના ટ્રાન્જેકશન મળતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ આંકડો હજુ બમણો થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસને ગેમીંગ એપ્લીકેશન મારફત દુબઇ અને અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં નાણા હવાલા મારફત ઠલવાઇ રહ્યાં છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.