સુરત: દુબઇ (Dubai) અને બેંગ્લોરમાં (Bangalore) નીની પ્રોપરાઈટર અને મલિક ઇમ્પરિયલ એસ્ટેટના નામે ઓફિસ ધરાવતા અમુલયા મલિકે સુરતના ત્રણ વેપારીઓને દુબઈમાં રિયલ એસ્ટેટમાં (Real estate) રોકાણ કરવાની સ્કીમ બનાવી હતી. જેમાં 90 દિવસમાં 30 ટકા નફાની લાલચ આપી ત્રણેય વેપારીઓ પાસેથી કુલ 59 લાખ ખંખેરી લીધા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પાલ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ આ બનાવની ફરિયાદ ઝાંપાબજાર ગધેડારોડ સ્થિત ખજીદા મંજીલ ખાતે રહેતાં અને મુંબઇની કંપનીમાં કન્સલ્ટન્ટની પોસ્ટ પર ફરજ બજાવતા ઝૂઝર અલીઅસગર બક્ષામુસાએ કરી હતી. તેમણે નીની પ્રોપર્ટિંઝ પ્રા.લિના ડિરેકટર બેંગ્લોર કર્ણાટક, નીની ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસના સંચાલક તેમજ હાલમાં દુબઇમાં ઓફિસ ધરાવતાં તેમજ સેકન્ડ ક્રોસ કલકરે હો૨મુવ બેંગ્લોર કર્ણાટક ખાતે રહેતા અમુલયા દિનબંધુ મલિક અને સુરતમાં પાલના પ્રથમ સર્કલ ખાતે પ્રિસ્ટેજ મનોર ખાતે રહેતાં વિતરાગ કિશોર મહેતા (૨હે, પ્રિ-સ્ટેજ મનો૨ પ્રથમ સર્કલ પાલ) સામે ફરિયાદ નોધાવી છે.
આ બંનેએ તેમની કંપની દુબઈ ખાતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી સારો નફો મેળવે છે. અને તેમની કંપનીમાં રોકાણ કરશો તો 90 દિવસમાં 30 ટકા નફો સાથે મૂડી પરત મળશે તેવી લાલચ આપી હતી. દુબઈમાં પ્રોપર્ટીના માલિક બનીને ઊંચા વળતરની લાલચમાં વિતરાગ મહેતા મારફતે તેમમે ગત 6 સપ્ટેમ્બર 2021 થી 19 માર્ચ 2022 સુધીમાં રૂપિયા 19.15 લાખનું રોકાણ કર્યું હતું. જેમાં 12.45 લાખ અમુલયા દિનબંધુ મલિકના એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જયારે 6.70 લાખ રોકડા વિતરાગને આપ્યા હતા.
આ સિવાય તેમના મિત્ર હુસેન અલીઅસગ સાદડીવાલાએ 14.18 લાખ અને યોગેશ લક્ષ્મણ મતાણી પાસેથી 33.91 લાખનું રોકાણ કરાવ્યું હતું. યોગેશને તેમાંથી 8.63 લાખ આપી બાકી રહેતા 25.28 લાખ આપ્યા નહોતા. 90 દિવસ પછી નફા સાથે વળતર નહી મળતા પાલ પોલીસ સ્ટેશનમાં કુલ 59.01 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. આરોપીઓએ આ રીતે બીજા પણ અનેક લોકો પાસેથી પૈસા ખંખેરી મોટી છેતરપિંડી કરી હોવાની આશંકા છે.