SURAT

સુરત: વેસુના દલાલે અડાજણના બિલ્ડર પાસે મોટું રોકાણ કરાવી છેતરપિંડી કરી

સુરત : વેસુના ઠગ દલાલે (Broker) અડાજણ પાટિયા ખાતે રહેતા રોકાણકાર (Investor) સાથે એક કરોડની ઠગાઇ કરી હતી. વેસુના જમીન દલાલ જિગ્નેશે બિલ્ડર શૈલેષ ગોનાવલાના પ્રોજેકટમાં પ્લોટમાં રોકાણ કરવાને બહાને રૂ. 1.26 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. રોકાણ કરાવ્યા પછી પણ દસ્વાવેજ નહીં કરાવી આપનાર દલાલ સામે ફરિયાદ થતાં પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર અડાજણમાં શિવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ જમીન દલાલી અને જમીનમાં જ રોકાણનું કામ કરતાં હિરેન સન્મુખલાલ મહેતાએ ઠગાઇની ફરિયાદ કરી હતી. ચાર વર્ષ પહેલા તેમણે નવસારીના તવડીગામ ખાતે વડીલો પાર્જીત જમીન દલાલ જીગ્નેશ રમેશ કાગરીવાલા (રહેવાસી, બાલાજી નગર ગોવિંદજી સ્પોર્ટસ કોમ્પલેકસની ગલીમા વેસુ) મારફત બિલ્ડર શૈલેષ ગોનાવાલાને વેચી હતી. દલાલ જીગ્નેશ બિલ્ડર શૈલેષ ગોનાવાલાના અલથાણમાં ધીરજસન્સ પાસે આવેલા સાંઇ એન્કલેવ પ્રોજેકટ ખાતે બેસતા હોવાથી તેઓ અનવારનનવાર ત્યા મળવા જતા હતા.

બિલ્ડર શૈલેષ ગોનાવાલાએ હિરેન મહેતાને તમારે રૂપિયા ઇન્વેસ્ટ કરવા હોયતો રોકવા માટે જણાવ્યુ હતુ. તેથી તેઓએ દલાલ જીગ્નેશ મારફત પાંચ લાખ રોકાણ માટે આપ્યા હતા. આ રકમ સામે પચાસ હજાર પ્રોફિટ આપીને હિરેનને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જમીન દલાલ જિગ્નેશ બિલ્ડર શૈલેષ ગોનાવાલાના વડોદ, ભેસ્તાન ખાતે ચાલી રહેલા સાઇ મોહન સોસાયટીના પ્રોજેકટમાં પાંચ પ્લોટનુ રોકાણ પણ કરાવ્યું હતું. તેમાં 15 લાખના એક પ્લોટ લેખે 75 લાખનું ચૂકવણુ કર્યુ હતું. આ માટે ડાયરી પણ બનાવી આપી હતી.

ત્યારબાદ હીરેન મહેતાએ પલસાણાના ઇટળવા ગામ ખાતે 19 લાકનો પ્લોટ તિરૂપતિ સોસાયટીમાં ખરીદયો હતો. તેમણે કુલ રૂપિયા 1.26 કરોડનું રોકાણ કરી દીધું હોવા છતાં દલાલ જિગ્નેશ દસ્તાવેજ કરી આપતો ન હતો અને માત્ર ડાયરી જ બનાવી આપતો હતો. તેણે ગલ્લા તલ્લા કરતાં અંતે દલાલ સામે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top