ભરૂચ: દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. બિસ્માર રસ્તા અને ટ્રાફિકના ભારણના કારણે દિલ્લી-મુંબઈ નેશનલ હાઇવે(Delhi-Mumbai National Highway) ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા કરે છે, ત્યારે આજે સતત ત્રીજા દિવસે ભરૂચ (Bharuch) નજીક નેશનલ હાઈવે નં.48 (National Highway No.48) વાહનચાલકોને ટ્રાફિક જામની (Heavy Traffic Jam) પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઈવે નં.48 પર 18 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતાં વાહનોની કતારો લાગી છે. વડોદરાથી સુરત જતી લેનમાં ભરૂચના સરદાર બ્રિજથી ખરોડ ચોકડી સુધી ચક્કાજામ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
ચોમાસું શરુ થતાં જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે. હાઇવે પર રવિવાર રાતથી સર્જાયેલી સ્થિતિને લઈ હજારો વાહન ચાલકો કલાકો ફસાઈ ગયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતાં જ ભરૂચ જિલ્લામાંથી પસાર થતો હાઈવે અને બ્રીજ ઉપર ખાડો પડવાનું શરુ થઇ ગયું છે. બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલા ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહ્યી છે.
સોમવારે મોડી રાત્રે અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 18 કિલોમીટર સુધીના ટ્રાફિક જામમાં ફસાતા ભારે હેરાન પરેશાન બન્યા હતા. હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતાં જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો. નવો સરદાર બ્રિજ પસાર કરી અંકલેશ્વર અને સુરત તરફ જવામાં હજારો વાહનચાલકોના કલાકો બગડવા સાથે ઇંધણનો પણ ધુમાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સિક્સ લેન રોડ દેશના અતિવ્યસ્ત માર્ગની ગણતરીમાં આવે છે, જ્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ દેશના અર્થતંત્રને વધુ અસર કરે છે. મુંબઈ-દિલ્હીને જોડતો હાઇવે 7થી વધુ ઔદ્યોગિક વસાહત અને ગોલ્ડન કોરિડોરમાંથી પસાર થાય છે. ઔદ્યોગિક એકમોના તૈયાર ઉત્પાદનો એક્સપોર્ટ માટે પોર્ટ સુધી આ માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. જો કે, રો-મટીરીયલ પણ આ માર્ગ પરથી જ લાવવામાં આવે છે. વાહન વ્યવહાર થંભી જવાથી અથવા ધીમો પડવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં કન્સાઇન્મેન્ટ મોડા પડે છે.