Gujarat

27મીએ હિરાસર ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની (Gujarat) બે દિવસીય યાત્રા પર છે. ત્યારે તેઓ 27મી જુલાઈ 2023ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું (Hirasar Greenfield Airport) ઉદ્ઘાટન કરશે. ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પીએમએ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

  • નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ પણ થશે
  • નવું એરપોર્ટ ટ્રાવેલ, લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે

રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. આ શહેર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે જટિલ પુરવઠા શૃંખલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, જેના બદલામાં રોજગારીની નવી તકો પેદા કરશે. આ ઉપરાંત, નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ પણ થશે. આ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર સ્થિત છે, જેના કારણે આ એરપોર્ટ આ વિસ્તારમાં આવેલા બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે રાજકોટ પર નિર્ભર છે. આ નવું એરપોર્ટ ટ્રાવેલ, લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે.

શું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ?
ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગરૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.

Most Popular

To Top