સુરત : તામિલનાડુથી (Tamilnadu) 23 વર્ષ પહેલા સુરતમાં (Surat) આવી ઇડલી વેચતો યુવકે 10 વર્ષ પહેલા એક ગેંગ બનાવી સ્કુલ (School) અને કોલેજોમાં (Colleges) ચોરી (Stealing) કરવાનું શરૂ કર્યું હતું. ગુગલ (Google) પર શહેરની ટોપ સ્કુલ અને કોલેજોને સર્ચ કરીને તેમાં ચોરી કરતો હતો. બાદમાં રોકડ વેચી લેતા અને કિંમતી વસ્તુ સુરત શનિવારીમાં કે મુંબઈ દાદર ખાતે રવિવારીમાં વેચી દેતા હતા.
ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક મોટી સફળતા હાથ લાગી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમને સિંગણપોર હરીદર્શનનો ખાડો, મહારાજ ચાની પાછળ તામિલનાડુની કુખ્યાત શેલમ ગેંગનો મુખ્ય આરોપી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી પલની સ્વામી ઉર્ફે અન્નો મહાધીશ કઉન્દર (ઉ.વ.૪૧, રહે. શુમનકુંજ એપાર્ટમેન્ટ, EWS આવાસ, ડભોલી તથા મુળ તા.જી.શેલમ, તામિલનાડુ) તથા પરમશિવમ ઉર્ફે તમ્બી કુલંથાઈવેલ દેવેન્દ્ર (ઉ.વ.૪૬, રહે. જીવદાની ચાલ, સંતોષી માતાના મંદિર પાસે, વલઇપાડા ઝુપડપટ્ટી, નાલાસોપારા ઇસ્ટ જીલ્લો-પાલગર, મહારાષ્ટ્ર તથા મુળ શેલમ, તામિલનાડુ) ને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી ચોરી કરેલા બે મોબાઈલ ફોન, મંકી કેપ, ફેસ માસ્ક, સ્કાફ મળી આવ્યા હતા. ટોર્ચ, પક્કડ, સ્ક્રુ ડ્રાઇવર, હાર્ડ ડીસ્ક, પાસબુક, એટીએમ કાર્ડ, લેપટોપ બેગ અને રોકડા 70 હજાર, ચાંદીની લક્કી, મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબજે લીધા હતા. આરોપીની પુછપરછ કરતા સુરત શહેરમાં તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્કુલ, કોલેજમાં કરવામાં આવેલી ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી.
ચોરીના વણશોધાયેલા કુલ ૧૮ ગુનાઓ ડિટેક્ટ થયા હતા. આરોપી પરમશિવમ ઉર્ફે તમ્બીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ભીલાડ પોલીસની હદમાં ઘરફોડ ચોરી કરી હતી. જે ગુનામાં પોતાના ત્રણ સાગરીતો પકડાઇ ગયા હતા. અને તે ભાગી છુટ્યો હતો. ચોરીના રોકડા રૂપિયાના ભાગ પાડી લેતા હતા. અને કિંમતી ચીજવસ્તુઓ પોતે સુરત શનિવારી બજારમાં તથા મુંબઇ દાદર ખાતે રવિવારી બજારમાં સસ્તામાં વેચી દેતા હતા.
શહેરની આટલી શાળા અને કોલેજોને ટાર્ગેટ કરી ચુક્યા છે
18 ગુનાઓ ડિટેક્ટ થયા તેમાંથી સુરતમાં ઓલપાડ તાલુકામાં આવેલી સ્કુલમાં પણ ચોરી કરી હતી. ત્યારબાદ બારડોલીમાં, જહાંગીરપુરામાં વિવેકાનંદ કોલેજમાં વર્ષ 2019 માં, ઇચ્છાપોરમાં ડી.એલ.કે.શાહ સંજીવની સ્કુલમાં, ડુમસમાં વર્ષ 2022 માં દિલ્લી પબ્લિક સ્કુલમાં, ઉમરામાં વર્ષ 2023 માંરેડીયન્ટ સ્કુલમાં, પાલ ખાતે શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કુલ અને ઉત્રાણમાં પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કુલમાં ચોરી કરી હતી.
મુખ્ય આરોપી 23 વર્ષ પહેલા શહેરમાં ઇડલી વેચતો હતો
મુખ્ય આરોપી 23 વર્ષથી સુરતમાં રહે છે. અને શરૂઆતમાં ઇડલી વેચતો હતો. બાદમાં છેલ્લા 10 વર્ષથી આ રીતે ગેંગ બનાવી સ્કુલ અને કોલેજોમાં ચોરી કરે છે. તામિલનાડુથી આરોપીઓને બોલાવી તેના ઘરે આવાસમાં રાખતો હતો. ચોરીને અંજામ આપી બાદમાં તે પરત જતા રહેતા હતા. હાલ આરોપી સેન્ટીંગનું કામ કરે છે.
પોલીસ પેટ્રોલિંગથી બચવા સંતાઈ રહેતા અને સવારે ભાગી જતા
સ્કુલ, કોલેજની રેકી કરી આજુબાજુમાં આવેલા ખેતર કે વાડામાં કે આસાનીથી લોકોની નજર ન પડે તે રીતે અંધારામાં સંતાઇ જતા હતા. અને ચોરી કરતી વખતે કોઇ ઓળખી ન શકે અને પોતાના ફિંગર પ્રિન્ટ ન આવે તે માટે મંકી કેપ તથા હાથ મોજા તથા સ્કાફ જેવું પહેરી મોડી રાતના સ્કુલ, કોલેજના પાછળના ભાગેથી દિવાલ કુદી અથવા સ્કુલની બારીની ગ્રીલ તોડી કે દરવાજાના લોક તથા નકુચા તોડી પ્રવેશ કરતા હતા.
ઓફીસોમાં લગાવેલા સીસીટીવી કેમેરા, ડીવીઆર, ટીવી, રાઉટર તથા તિજોરી, કબાટ, ટેબલના ડ્રોઅરના લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા અથવા અન્ય કિંમતી ચિજવસ્તુઓની ચોરી કરતા હતા. સ્કુલમાં રાખેલા લોકર આજુબાજુના વિસ્તારમાં લઇ જઇ લોકર તોડી તેમાં રહેલા રૂપિયાની ચોરી કરતા હતા. સવાર સુધી પોલીસ પેટ્રોલિંગથી બચવા સંતાઈ રહેતા અને સવારે છ વાગે મુદ્દામાલ લઈને ભાગી જતા હતા.