Dakshin Gujarat

જંબુસરના વેડચ-ઉબેર વચ્ચે પાણીમાં ST બસ ફસાઈ, ટ્રેક્ટરથી ખેંચવા છતાં બહાર ન નીકળતા પેસેન્જર્સ ડર્યા

ભરૂચ: ભરૂચ (Bharuch)માં જિલ્લામાં વરસેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ એસ.ટી. બસ અને કાર ફસાઈ હોવાની ઘટના બની હતી. ભરૂચ જિલ્લામાં જંબુસર (Jambusar)ના કંબોઈથી બદલપુરા જતી એસટી બસ (ST Bus) વેડચ-ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઈ જતાં મુસાફરોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બુધવારે જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા જ અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન બન્યા હતા. જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે તાલુકાના અનેક માર્ગો બેટમાં ફેરવાયા હતા.

તો કેટલાક ગામોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા અનાજ સહિત ઘર વખરીનું સામાન પલળી જતાં લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. જયારે કંબોઇથી બદલપુરા જતી એક એસ.ટી.બસ વેડચ-ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી.

બસ ફસાઈ જવાની જાણ સ્થાનિકોને થતાં તેઓ તાત્કાલિક મદદે દોડી ગયા હતા અને ટ્રેકટરની મદદથી બસને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ બસનું ટાયર ખાડામાં હોવાથી બસ નમી પડી હતી. દરમિયાન સ્થાનિકો ગ્રામવાસીઓએ મુસાફરો જીવન જોખમે બસમાંથી નીચે ઉતરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તમામ મુસાફરોનો જીવ બચી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

દરમિયાન ભટ્ટીવાડ વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા અનાજ અને ઘર વખરી પલળી જતા રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જયારે કેટલાક ઘરમાં લોકો વરસાદી પાણી ઉલેચતા નજરે પડ્યા હતા.

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળામાં પણ એસ.ટી બસ ફસાઈ, મુસાફરોને ટ્રેક્ટરથી બહાર કઢાયા
ભારે વરસાદના લીધે અહીંની આમલાખાડીમાં પાણીનો ભરાવો થતાં તે ઓવરફલો થઈ હતી. ખાડીનું પાણી રસ્તા પર આવતા ઠેરઠેર પાણી ભરાયા હતા. ખાડીના પાણી પીરામણ ગામના ગરનાળામાં ભરાયા હોવાથી તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. અહીં વધુ પ્રમાણમાં પાણી ભરાતા એક એસટી બસ (ST Bus) ફસાઈ ગઈ હતી. જેમાં ફસાયેલા મુસાફરોને સ્થાનિકોની મદદથી ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શીનોયથી અંકલેશ્વર ડેપોમાં મુસાફરો ભરીને જતી બસ પીરામણ ગરનાળે ફસાઈ ગઈ હતી. જો કે મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગર પાલિકાના સભ્ય નિલેશ પટેલ સહિત રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પીરામણ ગરનાળે પહોંચી પાલિકા સભ્યએ પોતે ટ્રેકટરમાં બેસીને ધસમસતા નીરમાં જઈ બસના મુસાફરોને સહી સલામત કાઢ્યા હતા. મુસાફરોએ સલામત બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top