પારડી : પારડી (Pardi) નેશનલ હાઇવે નંબર 48 ખડકી રેમન્ડ કંપની પાસે ટેમ્પો ચાલકે (Tempo driver) અચાનક બ્રેક (Break) મારતા પાછળથી આવતા અન્ય ત્રણ વાહન એક પાછળ એક અથડાતાં ચાર વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો.
મંગળવારે હાઇવે બ્રિજ વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર ખડકી રેમન્ડ કંપની પાસે ટેમ્પોના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળથી ડીમાર્ટનો માલસામાન ભરીને આવતું કન્ટેનર અથડાઈને રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. જેની પાછળ આવતો અન્ય એક ટેમ્પો અથડાયો હતો. તેની પાછળ આવતી કાર પણ અથડાતા 4 વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં તમામ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતા પારડી પોલીસની ટીમ અને હાઇવે પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. રોડની સાઈડમાં ઉતરી ગયેલા કન્ટેનરને બે ક્રેનની મદદ વડે બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો, બાદમાં પોલીસે વાહન વ્યવહાર ખુલ્લો કર્યો હતો.
કરમબેલી સ્ટેશને ટ્રેન અડફેટે અજાણ્યાનું મોત
વાપી : કરમબેલી રેલવે સ્ટેશને ઓખા-એર્નાકુલમ એક્સ.ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવક (ઉં.આ.40) નું મોત નિપજ્યું હતું. જે બનાવ અંગેની જાણકારી સ્ટેશન માસ્તરે વાપી રેલવે પોલીસ મથકે કરી હતી. મરનાર ઈસમના હાથમાં ધાતુની વીંટી અને ડાબા હાથના કાંડા પર દિલ ચિતરેલું છે. તેણે શરીરે લીલા કલરની ટી શર્ટ પહેરેલી છે. જો કોઈ વાલીવારસ હોય તો વાપી રેલવે પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવાયું છે. જ્યારે ઉમરગામ તાલુકાના સોળસુંબામાં રહેતા ટીનાબેન રમેશ રાઠી (ઉં.આ.41) લોકલ ટ્રેનમાં બેસી વાપી આવ્યા હતા. વાપી સ્ટેશનથી પરત ઉમરગામ જવા માટે સૌરાષ્ટ્ર એક્સ. ટ્રેનની ટિકિટ લીધી હતી. ટ્રેન આવી ત્યારે મુસાફરોની ભીડ વધુ હોવાથી તેઓએ લેડિઝ પર્સમાં મોબાઈલ મુકી ખભે લટકાવી ટ્રેનમાં ચઢતી વખતે તસ્કરે મોબાઈલ ફોન કિં.આશરે રૂ. 19 હજારની ચોરી કરી ભાગી ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ તેઓએ વાપી રેલવે પોલીસ મથકમાં નોંધાવી હતી.
અંકલેશ્વરમાં અકસ્માતના બે બનાવમાં બેનાં મોત
અંકલેશ્વર: અંકલેશ્વરના સજોદના કુંભાર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય મહેશ પ્રજાપતિ બાઈક નં.(જી.જે.૧૬.સી.એલ.૨૭૨૦) લઇ સી.એન.જી. પંપ નજીકથી પસાર થતો હતો. ત્યારે કાર નં.(જી.જે.૦૫.સી.કે.૧૨૫૭)ના ચાલકે બાઈકસવાર મહેશભાઈને ટક્કર મારતાં મોત થયું હતું. જ્યારે અન્ય એક ઘટના અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે બની હતી, જેમાં અજાણ્યો આધેડ માર્ગ ઓળંગી રહ્યો હતો. ત્યારે ટ્રક નં.(આર.જે.૨૭.જી.ડી.૬૬૪૭)ના ચાલકે રાહદારીને ટક્કર મારતાં તેનું મોત થયું હતું.