કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) પંચાયત ચૂંટણીના (Election) પરિણામ આવ્યા બાદ પણ હિંસા (Violence) અટકવાનું નામ નથી લઈ રહી. દક્ષિણ-24 પરગણાના ભાંગોરમાં હિંસા દરમિયાન ભારતીય સેક્યુલર ફ્રન્ટ (ISF)નો એક કાર્યકર માર્યો ગયો હતો આ સાથે ઘણાં સ્થળે બોમ્બમારાની ઘટના પણ ઘટી હતી. હિંસા દરમિયાન હાથમાં ગોળી વાગવાથી એડિશનલ એસપી પણ ઘાયલ થયા હતા.
મતગણતરી દરમિયાન ISFનો એક ઉમેદવાર એક બૂથ પર આગળ ચાલી રહ્યો હતો. પરંતુ મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં તે હારી ગયો હતો. આ પછી હંગામો અને હિંસા શરૂ થઈ હતી. ગત રાત્રિથી જ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પશ્વિમ બંગાળામાં 8 જુલાઈ શનિવારનાં રોજ 74 હજાર પંચાયતો માટે મતદાન થયું હતું. આ દરમિયાન પણ ઘણી હિંસા થઈ હતી અને મતદાન મથકો પર મારામારી, બૂથ લૂંટફાટ અને આગચંપી જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યાં હતા.
ચૂંટણી દરમિયાન હિંસાના મોટાભાગના કેસ મુર્શિદાબાદ, કૂચ બિહાર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં નોંધાયા હતા. કૂચ બિહારમાં, ટીએમસી કાર્યકરોએ મતપેટીઓ તોડી તેના પર પાણી રેડી આગ લગાવી દીધી હતી. ઉત્તર દિનાજપુરમાં ઘણી જગ્યાએ બેલેટ પેપર અને ચૂંટણી સંબંધિત સામગ્રી સળગાવી દેવામાં આવી હતી. દક્ષિણ દિનાજપુરમાં પણ મતપેટીમાં પાણી નાખવામાં આવ્યું હતું. આ હિંસામાં ઘણા લોકોના મોત પણ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે
- વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ચૂંટણી હિંસા માટે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે બંગાળમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે. ચૂંટણી પંચ પણ મમતા બેનર્જી સાથે મળ્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. ભાજપ બંગાળમાં લોકશાહીની પુનઃસ્થાપન ઈચ્છે છે.
- ટીએમસીએ વીડિયો ટ્વીટ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૂચબિહારના હલ્દીબારી બ્લોકની દીવાનગંજ ગ્રામ પંચાયતમાં બંગાળ ભાજપના સમર્થકોએ બૂથ પર કબજો કર્યો અને મતપેટી ફેંકી દીધી હતી. ભાજપે લોકોના અધિકારો પર હુમલો કર્યો છે.
- કોંગ્રેસ પાર્ટીએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે શાસક પક્ષ ટીએમસીએ આતંકનો વરસાદ શરૂ કરી દીધો છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે.બંગાળમાં પંચાયત ચૂંટણી એક મજાક છે અને હકીકતમાં, આ ચૂંટણી લૂંટનું ઉદાહરણ છે.