સુરત: સુરતમાં (Surat) ભારે વરસાદના (Rain) કારણે ઘણા દિવસોથી તાપી નદી (Tapi River) પરનો કોઝવે (Causeway) વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. વરસાદના કારણે તાપી નદીનું જળસ્તર ઊંચુ આવ્યું છે. ઘસમસતા પ્રવાહથી રમણીય નજારો જોવા લોકોની ભીડ ઉમટી રહી છે. જોકે કોઝવે પર નદીના પ્રવાહમાં વચ્ચે સેલ્ફી (Selfie) લેવાની સાથે સાથે જોખમી ફોટોગ્રાફી કરતાં લોકો જોવા મળી રહ્યાં છે. અગાઉ પણ રાંદેર પોલીસ (Police) દ્વારા બંદોબસ્ત આપવાની વાત થઈ હતી. પરંતુ કોઈ જ સુરક્ષા ન હોવાથી હવે કોઈ દુર્ઘટના સર્જાય તો નવાઈની વાત નથી.
ચોમાસાની શરૂઆત માં કોઝવે હાલ સુરતીઓ માટે મોજ મસ્તીનું સ્થળ બન્યું છે. પોલીસ અને કોર્પોરેશનની બેદરકારીને કારણે લોકો જીવ જોખમમાં મૂકાયા રહ્યા છે. કોઝવે બંધ કરાયો હોવાછતાં પણ લોકો લટાર મારવા આવી રહ્યાં છે. ઘણા તો પોતાના પરિવાર સાથે પણ અહીં ફોટોગ્રાફી અને સેલ્ફી લેતા જોવા મળી રહ્યાં છે.
પોલીસે અગાઉ સેલ્ફી લેતા લોકોના ફોટો-વિડીયો વાઇરલ થતા કોઝવે પર બંદોબસ્ત મુકવાની વાત કરી હતી. જો કે આ વાત માત્ર હવામાં જ રહી ગઈ હોય તેમ કહી શકાય છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો મસ્તી કરતાં હોય તેવા ફોટો લોકો જીવનાં જોખમે લઈ રહ્યાં છે જે ચિંતાનો વિષય છે.
થોડા દિવસો પહેલા જ્યારે કોઝવે ઓવરફ્લો થયો હતો ત્યારે પણ આવી જ ઘટના ઘટી હતી. કેટલાક લોકો નાના બાળકો સાથે કોઝવે વરસાદની મજા માણવા પહોંચી ગયા હતા. યુવકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ બાબત અંગે વહીવટી તંત્રની ઊંઘ ઉઘડતા રાંદેર પોલીસે કોઝવે પર જતા લોકોને અટકાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે કોઝવે બંધ છે ત્યાં સુધી અહીં પેટ્રોલિંગ કરવામાં આવશે.
કોઝવે પર વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ
સુરતનો કોઝ-વે ઓવરફ્લોર થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા તેને છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. કોઝ-વેની સપાટી 6 મીટર કરતાં વધુ પાણીનું વહનને જોતા બંધ કરી દેવાયો હતો. વાહન વ્યવહાર માટે પણ કોઝ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે, ઓવરફ્લો થયેલા કોઝ-વે ઉપર વાહન ચલાવવું જોખમી પૂરવાર થઈ શકે છે.