SURAT

ત્રણ દિવસના બ્રેક બાદ સુરતમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ, વાદળોની ગર્જનાથી લોકોની ઊંઘ ઊડી

સુરત: મેઘરાજાની તોફાની બેટિંગ પછી થોડા દિવસ માટે વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવે ત્રણેક દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. વરસાદના (Rain) કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત (Surat) શહેરમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાયું હતું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થતાં વાતાવરણમાં પલ્ટો થયો છે. આજે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું. વરાછા, કતારગામ, પાલ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સ્કૂલ-કોલેજ તેમજ નોકરી, ધંધે જતા લોકોને રેઈનકોટ તેમજ છત્રીનો સહારો લેવાની ફરજ પડી હતી.

વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રેલવે ગરનાળુ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અહીં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત ગરનાળામાં એક રિક્ષા પણ બંધ પડી ગઈ હતી. જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

7 અને 8 જુલાઈ એમ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 7 અને 8 જુલાઈ એમ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. 5 અને 6 જુલાઈ એમ બે દિવસ સામાન્ય વરસાદ ત્યાર બાદ રાજ્યમાં ભારે વરસાદ પડશે.

Most Popular

To Top