Editorial

રાજકારણમાં ગદ્દારીએ હવે સામાન્ય બાબત થઇ ગઇ છે

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાટો આવી ગયો છે કારણ કે, એનસીપીમાં વિરોધપક્ષના નેતા જેવું મહત્વનું સ્થાન ધરાવનાર અને પવાર પરિવારના અજીત દાદાએ 29 ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે એટલું જ નહીં આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ પણ લઇ લીધા છે. તેમણે આ અંગેની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમણે એનસીપી છોડી નથી એનસીપી પાર્ટી પણ તેમની છે અને તેનું ચૂંટણી ચિન્હ પણ તેમનું જ છે.

તો તેની સામે પ્રતિક્રિયા આપતા શરદ પવારે પુણેમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આવો બળવો અગાઉ પણ થયો છે, પરંતુ હું પાર્ટીને ફરી ઉભી કરીને બતાવીશ. થોડા દિવસો પહેલા વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, મહારાષ્ટ્રની મુખ્ય સહકારી બેંકમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. આજે ભાજપ સરકારમાં જોડાયેલા NCP નેતાઓ કહે છે કે, ભ્રષ્ટાચાર સાફ થઈ ગયો છે અને હું આ માટે વડાપ્રધાનને ધન્યવાદ આપું છું… આગામી દિવસોમાં લોકોને ખબર પડશે કે NCPના આ નેતાઓએ શા માટે હાથ મિલાવ્યા છે, જે લોકોએ હાજરી આપી છે તેઓએ મારો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેમને ભાજપ દ્વારા આમંત્રણ અપાયું છે. પરંતુ તેમણે કહ્યું કે તેનું સ્ટેન્ડ અલગ છે.

આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ રાજ્ય એટલા માટે મહત્વનું છે કે તેમાં લોકસભાની 48 બેઠક છે જે ઉત્તર પ્રદેશ પછી બીજા નંબર પર આવે છે. જો કે, પરિવારવાદમાં દગો એ નવી વાત નથી. અને રાજકારણમાં દગો એ પણ સામાન્ય બાબત ગણાય છે. બિહારની વાત કરીએ તો રામ વિલાસ પાસવાનના ભાઇએ ચિરાગ પાસવાન સાથે દગો કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવને તેમના જ પુત્રએ નિવૃત્ત કરી દીધા છે. ઠાકરે પરિવારમાંથી આવતા રાજ ઠાકરેએ પણ શિવસેના છોડીને મનસેની સ્થાપના કરી છે.

રાજકારણમાં આવા અનેક કિસ્સાઓ છે. શરદ પવારે પોતે પણ કોંગ્રેસ છોડીને એનસીપી ઊભી કરી હતી. એટલું જ નહીં તેમણે પણ વસંત દાદા પાટીલને ઉથલાવીને જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ગાદી મેળવી હતી. એટલે રાજકારણમાં દગો એ સામાન્ય બાબત થઇ ગઇ છે. જો કે, શામ દામ દંડ અને ભેદની નીતિ સાથે રાજકારણ કરતાં ભાજપની નજર હવે બિહાર પર છે અને ત્યાં પણ નિતિશ કુમાર સામે બળવો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. દરેક પક્ષમાં નંબર 2 અથવા તો 3 જેવા મહત્વનું સ્થાન ધરાવતાં લોકો જ દગો કરવામાં મોખરે છે અને તે વાત ઉદ્ધવ ઠાકરે પણ સારી રીતે જાણે છે.

Most Popular

To Top