સિકર : રાજસ્થાનના (Rajasthan) સિકરમાં (Sikar) આવેલ પ્રખ્યાત દેવીપુરા બાલાજી ધામમાં (Devipura Balaji Gham) એક સ્પેશિયલ રોટલો અર્પણ કરવામાં આવ્યો છે. દેવીપુરા બાલાજી ધામમાં શનિવારના રોજ હુમાનજીને 2700 કિલોનો સ્પેશિયલ રોટલો બનાવીને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવ્યો છે. આ સ્પેશિયલ 2700 કિલોના રોટલાને બનાવવા માટે લગભગ 20 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ રોટલી તૈયાર કરવા માટે જોધપુર અને સુરતના 20 જેટલા મજૂરોએ કામ કર્યું હતું. આ રોટલો બનાવવા માટે બે દિવસની મહેનત લાગી હતી. આ રોટલો બનાવવા માટેની કામગીરી શુક્રવારે વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી હતી. જે કામગીરી શનિવારે રાત્રે લગભગ 3 વાગ્યે પુરી થઈ હતી.
ગાયના દેશી ઘીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે
હનુમાનજીને પ્રસાદ રૂપે ચડાવવામાં આવેલો આ ખાસ રોટલો બનાવવા માટે લોટની સાથે ડ્રાયફ્રૂટ, સોજી અને ગાયના દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 1100 કિલો લોટ, 700 કિલો સોજી, 400 કિલો ચુરમા અને 800 કિલો ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં આ રોટલો બનાવવા માટે 20 કારીગરો ઉપરાંત ક્રેઈનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રોટલાને શેકવા માટે મંદિરમાં 12 ફુટની ગોળાકાર ભઠ્ઠી તૈયાર કરવામાં આવી હતી. જેને બનાવવામાં માટે 10 દિવસ લાગ્યા હતા. ક્રેનની મદદથી રોટલાને વિશાળ ભઠ્ઠી પર મૂકવામાં આવ્યો હતો. ગાયના ગોબર અને છાણાંથી તૈયાર કરેલી આગમાં રોટલાને ક્રેનની મદદથી શેકવા માટે રાખવામાં આવ્યો હતો.
મહંતોએ દેશ અને રાજ્યની સમૃદ્ધિની કામના કરી
ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે મહંતોએ દેશ અને રાજ્યની સમૃદ્ધિની કામના કરી હતી. આ પછી આ રોટલામાંથી ચુરમો બનાવવામાં આવ્યો હતો. જે ચુરમાને લોકોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યો હતો. આ 2700 કિલોના મહાભોગનું 25 હજાર ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં સવારથી જ ભક્તોની અવિરત અવર જવર ચાલી રહી હતી. મંદિર પરિસરમાં 2 દિવસથી ધાર્મિક કાર્યક્રમો પણ ચાલી રહ્યા હતા. દેવીપુરા ઘામના મહંત ઓમપ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે આ રોટલો બનાવવા માટે ખાસ પ્રકારની જાળી, વેલણ અને તવો બનાવવામાં આવ્યો હતો. જેમાં જાળીનું વજન 300 કિલો અને વેલણનું વજન 250 કિલો છે. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા મંદિરોમાં મેગા કિચન હોવા છતાં અત્યાર સુધી એક પણ મંદિરમાં રોટલો બનાવવામાં આવ્યો નથી.