અમેરિકાની જાણીતી યુનિવર્સિટી સ્ટેનફોર્ડમાં હાલમાં જ ટેનિસ લિજન્ડ જોહ્ન મેકેનરોઇએ આપેલું એક વક્તવ્ય ચર્ચામાં છે. જોહ્ન મેકેનરોઇ અમેરિકા વતી ટેનિસ રમ્યા છે. ટેનિસમાં સિન્ગલ અને ડબલ્સમાં એક સમયે નંબર વન રહ્યા હોય તેવા તે ઇતિહાસના એક માત્ર ખેલાડી છે. 64 વર્ષના થઈ ચૂકેલા જોહ્ન અત્યારે નિવૃત્તિનો આનંદ માણી રહ્યા છે. હાલમાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વક્તવ્ય આપ્યું તેમાં તેમનો મુખ્ય મુદ્દો હતો ‘વિનિંગ ઇઝ નોટ ધ ઓન્લી થિંગ’. મતલબ કે જીત જ માત્ર સર્વસ્વ નથી. તેમણે અહીં કહ્યું હતું કે, “જોખમ લેવું, નિષ્ફળતા મેળવવી અને નિષ્ફળતાથી શીખવું તે તમારા વિકાસ માટે અતિ મહત્ત્વનું છે.
સામાન્ય રીતે સ્પોર્ટસમાં તમે એવું સાંભળો છો કે, ‘વિનિંગ ઇઝ એવરીથિંગ’ પરંતુ વાસ્તવિકતામાં તે સત્ય નથી. તમે કોઈ બાબતમાં સફળ થાવ છો અને તમે એવું ઇચ્છો છો કે હવે આકાશ ખુલ્લું છે અને તમારા પર ખુશીઓની વરસાદ થશે. તે ક્યારેક જ બનતી ઘટના છે. સત્ય એ છે કે જીત તમને એકલા પાડે છે.” જોહ્ને અત્યારે નિવૃત્તિકાળમાં આ વાત કરી જ્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે હાલમાં એશિસ સીરિઝમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ એમ કહ્યું કે, “ધેર ઇઝ નો શેમ ઇન લુઝિંગ” મતલબ કે હારવામાં શરમ જેવું કશુંય નથી. અત્યારે જ્યારે જીતની બોલબાલા છે, બધી જ જગ્યાએ વિજય ભવનો નાદ ગુંજી રહ્યો છે ત્યારે સ્પોર્ટસના આ માંધાતાઓએ હટકે કહી શકાય તેવી વાત કરી છે.
જોહ્ન મેકેનરોઇએ જીતવું માત્ર અગત્યનું નથી તે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા સાથેની તેમની મુલાકાતની વિશેની વાત ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી હતી. જોહ્ન મેકેનરોઇ કહે છે કે મંડેલાએ તેમને મળતાવેંત કહ્યું હતું કે તેમને ટેનિસમાં ખૂબ રસ છે અને મંડેલા 27 વર્ષ જેલમાં રહ્યા ત્યારે તે ટેનિસની રમતના ન્યૂઝ મેળવતા રહેતા. નેલ્સન મંડેલાએ પછી 1980માં રમાયેલી એક મેચની વાત જોહ્ન સમક્ષ કરી. જોહ્નને આ બધી વાતનું આશ્ચર્ય થયું પરંતુ નેલ્સન મંડેલા તો ટેનિસની રસપ્રદ વાત કરતા હતા.
નેલ્સન મંડેલાએ 1980ની મેચને યાદ કરતાં જોહ્નને કહ્યું કે તમારી અને બોર્ન બોર્ગની મેચની કોમેન્ટરી તેમણે રોબન આઇલેન્ડ પર જ્યાં તેમને કેદ કરીને રાખવામાં આવ્યા હતા ત્યાં સાંભળી હતી. તે વખતે બોર્ન બોર્ગ અને જોહ્નની મેચ રોમાંચક રહેતી અને તેમની વચ્ચે ટક્કર થતી ત્યારે ટેનિસરસિયાઓ મેચ જોવા ઊમટી પડતા. આવી એક મેચમાં બોર્ન બોર્ગ અને જોહ્નની ટક્કર થઈ, વિમ્બલ્ડનના ઇતિહાસમાં આ મેચ યાદગાર કહેવાય છે. વિમ્બલ્ડનની ફાઈનલ મેચમાં બોર્ન બોર્ગ અને જોહ્નની સ્પર્ધા 4 કલાક સુધી ચાલી હતી. અનેક સેટ પછી તેમાં બોર્ન બોર્ગ વિજયી થયા હતા. આ મેચમાં જોહ્નની હાર થઈ પરંતુ જોહ્ને વક્તવ્યમાં કહ્યું તેમ કે તેમના માટે અનેક ટાઇટલ્સ કરતાં આ મેચ અગત્યની હતી કારણ કે આ મેચ નેલ્સન મંડેલાએ સાંભળી હતી અને મુલાકાત દરમિયાન તેમને મેચની એકેએક ક્ષણ યાદ હોય તેમ જોહ્ને અનુભવ્યું હતું.
‘વિનિંગ ઇઝ નોટ એવરીથિંગ’ માટે અમેરિકન ફૂટબોલર, કોચ વિન્સ લોમ્બાર્ડીની પણ વાત ટાંકવામાં આવે છે. વિન્સ લોમ્બાર્ડીનું પણ માનવું હતું કે તમે સફળતાનો સ્વાદ ચાખો તે પહેલાં તમારે હાર પર વિજય મેળવવાનો છે અને જ્યારે તમે હારના સમયને વિતાવી દો છો ત્યારે તમારી સમક્ષ સફળતા ઊભી હોય છે. આજે વિશ્વમાં એથલિટ તરીકે જાણીતા યુઝેન બોલ્ટને પણ શરૂઆતની મેચમાં હાર મળી હતી. દુનિયાના અદ્વિતીય સ્વિમર માઇકલ ફ્લેપ્સને પણ તેની શરૂઆતની મેચમાં નિષ્ફળતા મળી હતી અને તેથી જ તેઓ આજે અજેય બની ચૂક્યા છે.
જોહ્ન મેકેનરોઈએ જ્યારે સ્ટેનફર્ડમાં આ વક્તવ્ય આપ્યું ત્યારે તે એટિટ્યુડથી ઇંગ્લેન્ડના ટેસ્ટ ટીમનો કેપ્ટન મેદાન પર નિર્ણય લઈ રહ્યો હતો. હાલમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ જંગ ચાલી રહ્યો છે. એશિઝ સીરિઝમાં હારજીતની તીવ્રતા ભારત-પાકિસ્તાન મેચ જેવી હોય છે. આ સીરિઝમાં હાર થાય ત્યારે કેપ્ટન અને ટીમ પર માછલા ધોવાય છે પરંતુ તેની પરવા કર્યા વિના ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે નવા માપદંડ મેચમાં સર કર્યા છે.
તેણે ખૂબ રસાકસીભરી મેચ પૂરી થયા બાદ એવું નિવેદન આપ્યું કે હારની નિરાશા કરતાં મેચની મજા વધુ અગત્યની છે. તેણે હારના બદલે પ્રશંસકો પાસે કોઈ માફી ન માંગી અને તેણે હારમાંથી કોઈ પોઝિટિવ વાત શીખવાનો પણ ડોળ ન કર્યો, જે સામાન્ય રીતે થતું હોય છે. બલકે તેણે એમ કહ્યું કે આ ટેસ્ટ મેચ જે ક્રિકેટનું સૌથી જૂનું અને લુપ્ત થઈ રહેલું ફોર્મેટ છે તેનો અમે સરસ રીતે પ્રચાર-પ્રસાર કરી શક્યા છે. આ મેચ ખૂબ રસપ્રદ રહી હતી. બેન સ્ટોક્સનું માનવું છે કે જો મેચ દિલેરીથી રમાતી હશે તો પ્રશંસકો તેને જોવા આવશે અને તેમાં હાર-જીત મહત્ત્વની નહીં રહે. અગત્યનું છે રમત રસપ્રદ હોય.
જીતને સર્વસ્વ ન માનનારા સ્પોર્ટસની દુનિયામાં વધુ છે એવું નથી પરંતુ તેઓ આ બાબતે વધુ અભિવ્યક્ત થયા છે. બ્રિટિશ ઓલિમ્પિયન કેથ બિશપે 2004માં રોવર ગેમમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમને મેડલ મેળવ્યા પછી પણ એવું લાગતું હતું કે તેમણે કશુંક વિશેષ હાંસલ કર્યું નથી. ઊલટાની તેમને એકલતાની અનુભૂતિ થવા લાગી. પોતાની આ મનોવ્યથાને વર્ણન કરવા માટે તેમણે આખરે પુસ્તક લખ્યું : ‘ધ લોન્ગ વિન: ધ સર્ચ ફોર અ બેટર વે ટુ સક્સિડ’. આ વિશે તેમણે એક મુલાકાત આપી છે, તેમાં તેઓ કહે છે કે, તેમણે આ પુસ્તક લખ્યું કારણ કે તેમને જીતનું વળગણ થઈ ચૂક્યું હતું. ક્લાસરૂમથી માંડીને સ્પોર્ટસ ફિલ્ડ પર અને જ્યાં તેઓ કામ કરતા હતા ત્યાં પણ. તેમનું માનવું છે કે જ્યારે તેમણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો ત્યારે પોડિયમ પર મેડલ મેળવતાં તેમને ખુશી થઈ પરંતુ પછી તુરંત તેમના મનમાં ફરી જીતવાની આંકાક્ષા થવા લાગી અને તેમણે થોડી નિરાશા પણ અનુભવી.
કેથ બિશપે સતત જીતવાની ઘેલછા તેના જીવનના અન્ય હિસ્સામાં પણ જોઈ. કેથે એક દાયકા સુધી ડિપ્લોમેટ તરીકે કામ કર્યું છે. ડિપ્લોમસીમાં બંને પક્ષને સમાધાની પર લઈ આવવા અગત્યનું છે. તેમાં કોઈ એક પક્ષ વધુ લઈ જાય અને બીજો પક્ષ નિષ્ફળ રહ્યો તેવી રીતે જોવાતું નથી. કેથે પોતાના આ કામ દરમિયાન જોયું કે જીતવું કે પોતાના પક્ષે વધુ મેળવી લેવું તે અગત્યનું નથી અને આ કામના આધારે તેમણે પોતાની રમતમાં બદલાવ લાવ્યો અને હવે તે બદલાવ વિશે તેઓ દુનિયાને પણ જણાવે છે. તેમણે સ્પોર્ટસ સાઇકોલોજીમાં બે મહત્ત્વની બાબતોને વેગળી કરી દીધી. એક પર્ફોર્મન્સ અને બીજું રિઝલ્ટ. આ બાબતમાં તેઓ એ વાત પર ફોકસ કરવાનું કહે છે કે પરિણામની ઇચ્છાને બદલવાની નથી.
શ્રેષ્ઠ પરિણામ આવે તે માટે મથવાનું છે અને તે માટે સતત પર્ફોર્મન્સ સુધારતા જવાનું છે. કેથનું માનવું છે કે શ્રેષ્ઠ પરિણામની કોઈ ગેરન્ટી હોતી નથી, ન તો આપણે તેને કન્ટ્રોલ કરી શકીએ છીએ. તે અન્ય પાસાંઓ પર આધારિત હોય છે, જેમ કે સ્વાસ્થ્ય, અમ્પાયર અને વાતાવરણ પણ. તમારા હાથમાં માત્ર બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું હોય છે. આ ઉપરાંત કેથ મળતી હારને શીખવા માટેની શ્રેષ્ઠ ચાવી ગણાવે છે અને તે જીવનનો કુદરતી ક્રમ છે. જો તમે જિજ્ઞાસા અને જુસ્સાથી જોખમ લેવા તૈયાર હોવ તો. એટલે મહત્ત્વનો ઉદ્દેશ જીત નથી બલકે તમે કેટલું શીખો છો તે છે. ઘણા ખોટા જવાબો કોઈ બાબતને અલગ રીતે જોવાનો દૃષ્ટિકોણ આપે છે. આ રીતે જો શિક્ષણ અપાય તો આપણી મોટા ભાગની મુશ્કેલીઓનો હલ આવી જાય.
ે