દેશના આશરે 140 કરોડ ભારતીયોની જો ઓળખ કરવી હોય તો તે આધારકાર્ડ છે. જ્યારે આધારકાર્ડની પ્રોસેસ શરૂ કરવામાં આવી ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નહોતું. પરંતુ ધીરેધીરે બેંક ખાતાઓની સાથે સાથે દરેક ઠેકાણે આધારકાર્ડ ફરજિયાત બનાવી દેવામાં આવતા હવે આધારકાર્ડ વિનાનો ભારતીયને ભારતનો નાગરિક ગણવામાં આવતો નથી. પ્રત્યેક નવી જન્મતી વ્યક્તિ માટે આધારકાર્ડ કઢાવી લેવો જરૂરી છે અને જેવી રીતે આધારકાર્ડનો વ્યાપ વધી રહ્યો છે અને દરેક ઠેકાણે તેની જરૂરીયાત ઊભી થઈ રહી છે તે જોતાં આગામી દિવસોમાં દેશના પ્રત્યેક નાગરિક માટે આધારકાર્ડ ફરજિયાત બની જશે. દેશમાં પાન કાર્ડ પણ છે પરંતુ જે રીતે આધારકાર્ડનો વ્યાપ છે તેણે પાન કાર્ડની જરૂરીયાતને પણ ઘટાડી દીધી છે. બની શકે કે ભવિષ્યમાં પાન કાર્ડ નીકળી જાય અને આધારકાર્ડ જ એકમાત્ર માન્ય દસ્તાવેજ બની જાય.
એવું માનવામાં આવે છે કે દેશભરમાં આધાર કાર્ડ ધારકોની કુલ સંખ્યા 133 કરોડથી વધુ છે અને હાલના તબક્કે કુલ 77.25 કરોડ આધાર કાર્ડ બેંક ખાતાઓ સાથે જોડાયેલા છે. આધારકાર્ડમાં જો કોઈ ફેરફાર કરવામાં આવે તો તેની સીધી અસર બેંક ખાતાના ટ્રાન્જેકશન પર પડે તેમ છે. ઘણી વખત મોબાઈલ નંબરથી માંડીને નામો પણ બદલાતા હોવાથી આધારકાર્ડમાં સુધારા કરવાની જરૂરીયાત ઊભી થાય છે અને તેને કારણે સરકાર દ્વારા આધારકાર્ડ અપડેટ કરાવવા માટેની સવલત પણ આપવામાં આવી છે.
હાલમાં સરકાર દ્વારા આગામી તા.14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં આધારકાર્ડ અપડેટ કરાવી શકાશે તેવી યોજના અમલમાં મુકવામાં આવી છે. સામાન્ય દિવસોમાં આ માટે ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જે લોકોએ આધારકાર્ડ કઢાવ્યાના 10 વર્ષ પછી પણ પોતાની માહિતી અપડેટ કરાવી નથી તેમણે આધારકાર્ડમાં અપડેશન કરાવવું જરૂરી છે. લોકો આધારકાર્ડના સેન્ટરની સાથે પોસ્ટઓફિસમાં પણ આધારકાર્ડમાં સુધારા કરાવી શકે છે. લોકો ઘરેથી જ ઓનલાઈન પણ આધારકાર્ડમાં સુધારા કરી શકે છે.
સરકારે આપેલી આ તકનો પ્રત્યેક નાગરિકે લાભ લેવાની જરૂરીયાત છે. કારણ કે હાલમાં એવી સ્થિતિ છે કે, જે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યા નથી તેવા આધારકાર્ડમાં સુધારાઓ કરીને જે તે નાગરિક સાથે છેતરપિંડી કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ અનેક કર્મચારીઓના પીએફના ખાતાઓમાંથી આ રીતે કૌભાંડ કરીને કરોડો રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. આજ રીતે આધારકાર્ડની નકલના આધારે તેમાં સુધારાઓ કરીને બેંક ખાતાઓમાંથી પણ રૂપિયા ઉપાડી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. મોબાઈલના ડુપ્લિકેટ સિમકાર્ડ પણ આ રીતે આધારકાર્ડનો દુરૂપયોગ કરીને લઈ લેવાની સાથે બાદમાં જે તે વ્યક્તિના નામે સાઈબર ક્રાઈમ કરવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આ કારણે જ તમારા આધારકાર્ડમાં કોઈએ પોતાના મોબાઈલ નંબરો નાખી નથી દીધાને તે ચેક કરવું જરૂરી છે.
ખરેખર સરકારે આધારકાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો હોય તેમાં સમયાંતરે ચેકિંગના મેસેજ મોકલતા રહેવાની જરૂરીયાત છે. નાગરિકો કાયદાના એટલા જાણકાર હોતા નથી પરંતુ સરકારે પણ એવી સિસ્ટમ ગોઠવવાની જરૂરીયાત છે કે જેનાથી આધારકાર્ડ સલામત છે કે કેમ તેની ખાતરી જે તે આધારકાર્ડધારક કરી શકે. આધારકાર્ડમાં સુધારા માટે યોજના કરવામાં આવી પરંતુ સાથે સાથે આધારકાર્ડમાં નોંધાયેલી વિગતો જે તે વ્યક્તિની જ છે તેવી યોજના પણ સરકાર દ્વારા લાવવામાં આવે તે જરૂરી છે. વર્તમાનની સાથે સાથે ભવિષ્યમાં પણ આધારકાર્ડ જ ભારતીયોની ઓળખ બનનાર છે ત્યારે સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવે નહીં તો આધારકાર્ડના નામે કૌભાંડો થતા જ રહેશે તે નક્કી છે.