Editorial

ભારતમાં બાળમજૂરીના દૂષણને તાકિદે ડામી દેવું જોઇએ

સમાજમાં વિવિધ સમાજ, સંસ્થાઓ, સંગઠનોમાં જાગૃતિ આવે તે હેતુસર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જો કે આવા વિશેષ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી જ રહે છે. તેમાં સતત સક્રિય રહીને સકારાત્મક અને પ્રેરકરૂપ પ્રયાસો કરવામાં આવતા નથી. તેવો જ એક મહત્ત્વનો દિવસ એટલે વિશ્વ બાળ મજૂર દિન. નાના ફૂલ જેવા નિર્દોષ હાસ્ય વિસરીને પરિવારના ભરણ પોષણ માટે બાળપણ ગૂમાવનાર અનેક બાળકો આજે પણ ખૂણે-ખાંચરે પોતાના કીંમતી અને પાછું ક્યારેય ન મળે તેવું અમૂલ્ય બાળપણ ગુમાવી રહ્યા છે.

અશિક્ષિત અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકો બાળ મજૂરી તરફ વળતા હોવાની બાબતમાં તેઓના માતા-પિતાની ભૂમિકા રહેલી હોય છે. જેથી આવા પરિવારનું નાનું બાળક બચપણના મુકત ગગનમાં વિહરવાના બદલે જવાબદારી નિભાવવા મજૂરીની ગર્તામાં ધકેલાઇ જાય છે. જેના કારણે ખાણીપીણીની લારીઓ, બસ-રેલ્વે સ્ટેશન વિસ્તાર, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા બાળમજૂરો દયાજનક સ્થિતિમાં જોવા મળે છે. જો કે શૈક્ષણિક વર્ગમાં પણ પોતાના બાળકોને અન્યની સરખામણીએ વધુ ટેલેન્ટેડ, હોશિયારી બતાવવાની હોડ જામી છે.

જેમાં બાળકને માનસિક બોજ આપીને પરિપકવ બનાવવાની સ્પર્ધામાં અનેક બાળકો અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃતિમાં સફેદ મજૂરી કરી રહ્યાનું જોવા મળે છે. સિરિયલ, ડાન્સ સહિતની સ્પર્ધામાં ટેલેન્ટ માટે મા-બાપ દ્વારા કરાવાતા અથાક પરિશ્રમમાં બાળક બાળપણ ગૂમાવી બેસે છે. ત્યારે બાળકોની કાળી મજૂરી અને સફેદ મજૂરી વચ્ચેની ભેદરેખા ભૂલાવીને બાળપણ છીનવતા ક્ષેત્રમાં કાર્ય કરતા બાળકો માટે કાયદાનું શસ્ત્ર એકસરખું રાખવું જરૂરી હોવાનો મત કાયદાવિદ્દો વ્યકત કરી રહ્યા છે. ત્યારે સૌથી વધુ મહત્વની વાત એ છે કે, દેશમાં બાળમજૂરી પર કાબૂ આવવાના બદલે આ બદી દીવસેને દીવસે વધી રહી છે. આ બદીને તાકિદે ડામી દેવી જોઇએ. તો જ બાળકો તેમનું બાળપણ જીવી શકશે.

ભારતના વિકાસ લક્ષિ લક્ષ્યાંકો અને રણનિતીઓને અનુસરવા માટે નૅશનલ ચાઇલ્ડ લેબર પોલિસી (રાષ્ટ્રીય બાળ મજૂરી નીતિ) ૧૯૮૭માં અપનાવેલ હતી. આ રાષ્ટ્રીય નીતિ ભારતના બંધારણમાં આપેલ શાસન માટે આપવામાં આવેલ દોરવણી સૂચક સિદ્ધાંતો (ડાયરેકટીવ પ્રીન્સીપલ)નું પુનરુચ્ચારણ કરે છે. તે સામાન્ય વિકાસ લક્ષિ કાર્યક્રમો જ્યાં શક્ય હોય ત્યાં બાળકોને લાભ પહોંચાડે અને જયાં બાળમજૂરોનું રોજગારમાં વધારે પ્રમાણ હોય તેવા વિસ્તારો માટે એકશન પ્લાન સાથેના કાર્યક્રમો ( પ્રોજેક્ટસ) પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

બાળ મજૂરી નીતિ (ચાઇલ્ડ લેબર પોલિસી – એન.સી.એલ.પી.) બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારા. ૧૯૮૬ ને અનુસરવા માટે અપનાવવામાં આવેલ હતી. રાષ્ટ્રીય બાળ મજૂર કાર્યક્રમો (નૅશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટસ – એન.સી.એલ.પી.સ) એન.સી.એલ.પી. દ્વારા શ્રમ અને રોજગાર મંત્રાલય બાળમજૂરોના પુર્નવસન માટે ૧૯૮૮થી અમલ કરે છે. શરૂઆતમાં આ કાર્યક્રમો ઉદ્યોગો આધારિત હતા અને પરંપરાગત રીતે બાળમજૂરો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે બાળકોના પુર્નવસન માટે કાર્યરત હતા.

૧૯૯૪માં બંધારણીય આદેશને પરિપૂર્ણ કરવા માટે નવેસરનું વચન એન.સી.એલ.પી.ના જોખમકારક કામમાં બાળ મજૂરી થતા ઉદ્યોગોમાં કામ કરતા બાળમજૂરોના પુર્નવસનમાટેના વ્યાપમાં વધારામાં પરીણમ્યું. એન.સી.એલ.પી.ની રણનીતિઓમાં બિનપરંપરાગત શિક્ષણ આપવામાં માટે શાળાઓ બનાવવી અને વ્યવસાય પહેલાની તાલીમ; આવક ઉપાર્જન અને રોજગાર માટેની વધારોની તકોને પ્રોત્સાહન આપવું; લોક જાગૃતિમાં વધારો કરવો અને બાળ મજૂરોને લગતા સર્વે (સંશોધનો) અને મુલ્યાંકનો કરવા.

Most Popular

To Top