ઝઘડિયા: ઝઘડિયાની ધારોલીની હાઈસ્કૂલમાં (Highscool) ધો-૧૦ના રિઝલ્ટના (Result) દિવસે વિદ્યાર્થિનીને (Student) અભિનંદનના બહાને બોલાવીને ખુદ આચાર્યએ (Principal) બાથમાં ભરી અડપલાં કરતાં ગુરુ-શિષ્યાનો સંબંધ લજવાઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ સગીરાની માતાએ મોડે મોડે આચાર્ય વિરુદ્ધ પોક્સો તેમજ અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
ઝઘડિયાના ધારોલી ગામે ડી.એન.પીલુદરિયા વિદ્યામંદિર હાઈસ્કૂલમાં ગુરુ-શિષ્યાનો સંબંધ લજવાઈ જાય એવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો. આ હાઈસ્કૂલમાં ૧૫ વર્ષની સગીરા ધો-૧૦માં અભ્યાસ કરતી હતી. તા.૨૬મી મેના રોજ ધો-૧૦ બોર્ડનું પરિણામ આવવાનું હોવાથી સગીરા રિઝલ્ટ લેવા ગઈ હતી. રિઝલ્ટ લીધા બાદ સગીરા રડતા રડતા ઘરે પહોંચી હતી. તેની માતાએ રડવાનો અવાજ સાંભળીને પૂછ્યું કે, કેમ રડે છે. આથી માતાને જણાવ્યું કે, હું રિઝલ્ટ લઈને સ્ટાફ રૂમમાંથી બહાર નીકળતી હતી ત્યારે હાઈસ્કૂલના આચાર્ય ધર્મેન્દ્રસિંહ રાજે મને અચાનક બોલાવીને કહ્યું કે, તું પાંચ મિનિટ બહાર ઊભી રહેજે. થોડીવારમાં હાઇસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ પરિણામ લઈને જતા રહ્યા હતા. હું સ્ટાફ રૂમની બહાર બારી પાસે ઊભી હતી. ત્યારે સગીરા સાથે આવેલા મોટા ભાઈએ ઘરે જવાનું કહેતાં એ વેળા મેં કહ્યું કે, મને આચાર્ય સાહેબે પાંચ મિનિટ ઊભા રહેવાનું કહ્યું છે. જેથી મોટો ભાઈ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ બહાર જઈને ઊભો રહ્યો હતો.
આશરે ૧૦ વાગ્યાના અરસામાં આચાર્ય ધર્મેન્દ્રસિંહ રાજે સગીરાને ઈશારો કરી સ્ટાફ રૂમમાં બોલાવી હતી. ધર્મેન્દ્રસિંહ રાજ સગીરાને હાથથી અભિનંદન આપતી વખતે બાથ ભરી અડપલા કરવા લાગ્યો હતો. બાદ સગીરાને કિસ કરવા જતાં સગીરાએ તેનું મોં ફેરવી લીધું હતું. બહાર નીકળતી વખતે ધર્મેન્દ્રસિંહ રાજે સગીરાને કહ્યું કે, એક કિસ તો આપતી જા. આથી ગભરાયેલી સગીરા ભાગી છૂટી હતી. એ વેળા ગભરાઈને મોટા ભાઈને આખી હકીકત જણાવી ન હતી અને માતાને ઘરે આવી આખી ઘટના કહી હતી. આ બનાવમાં વડીલોની સલાહથી ભોગ બનનારી સગીરાની માતાએ ઝઘડિયા GIDC પોલીસમાં ફરિયાદ આપતાં આચાર્ય ધર્મેન્દ્રસિંહ રાજ સામે સગીરાને અડપલાં કરવા માટે પોક્સો, અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.