Comments

સૌથી ભયંકર રેલ્વે અકસ્માત માટે જવાબદાર કોણ?

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનોને અથડાતા 275થી વધુ લોકો માર્યા ગયા સાથે 900 થી વધુ ઘાયલ થયા હતા, ભારતની આ સૌથી ભયાનક રેલ્વે દુર્ઘટના માટે કોણ જવાબદાર છે? આ દુર્ઘટનામાં બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ મેઈન લાઇનની બાજુના લૂપ ટ્રેક પર ખોટી રીતે સિગ્નલ મળતા પાટા પરથી ઉતરી સામેની દિશા તરફ પસાર થતી કોરોમંડલ એક્સપ્રેસ સાથે ભટકાઈ હતી. ત્યાં ઉભી રહેલી માલગાડી સાથે કોરોમંડલ એક્સપ્રેસ અથડાઈ હતી.

જ્યારે અકસ્માત થયો ત્યારે કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે મુસાફરી કરતી કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર (બેંગલુરુ) થી હાવડા જતી હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં લગભગ 2,000 લોકો સવાર હતા. બંને ટ્રેનો બાલાસોર ડિસ્ટ્રિક્ટ સ્ટેશનથી ગ્રીન સિગ્નલ મેળવ્યું હતું જે સૂચવે છે કે ટ્રેનો 130kph થી ઓછી ઝડપે અને સલામત હતી. બંને ટ્રેનો મેઈન લાઈન પર એકબીજા સામેથી પસાર થવાની હતી પરંતુ કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઈનમાં લોખંડથી ભરેલી ગૂડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી, જેના કારણે એન્જિન અને કેટલાક ડબ્બા માલગાડી ઉપર પડ્યા. અથડાવાની બધી અસર પેસેન્જર ટ્રેન પર થઇ, માલગાડી પાટા પરથી ઉતરી કે ખસી પણ નહીં. હાલ આ દુર્ઘટના થવાના સંભવિત કારણો વિશે સવાલો ઉભા થઈ રહ્યા છે. એવી શંકા છે કે ઇરાદાપૂર્વક કરાયેલી ઘટના પણ હોઈ શકે છે.

રેલ્વે સિગ્નલિંગમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ એ દરેક ટ્રેન માટે એક નક્કી એરિયાનો રૂટ સેટ કરે છે, જે ટ્રેક પર ટ્રેનોની સલામત આવ-જાની ખાતરી કરે છે. રેલ્વેના મુખ્ય અધિકારીઓ કહે છે કે “ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં કોઈ ખામી નથી” અને જણાવ્યું હતું કે તપાસમાં ખામીને બદલે “કોઈક પ્રકારના સિગ્નલિંગ હસ્તક્ષેપ” ના સંકેત મળ્યા છે.
શું આ ઇરાદાપૂર્વક બન્યું, કે આકસ્મિક હતું, તે હવામાનને લીધે થયું કે મેઇન્ટેનન્સના અભાવે આ બધી જ વાતો તપાસ પછી બહાર આવશે,” તેવું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

એવી આશંકા છે કે તોડફોડ પાછળનો ઈરાદો કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ ઉભો કરવાનો હતો. એજન્સીઓ દ્વારા કરાયેલા હાઇ-લેવલ ટેકનિકલ અભ્યાસમાં જાણવા મળ્યું કે સિગ્નલિંગ સિસ્ટમને કોરોમંડલ એક્સપ્રેસને જ્યાં પહેલેથી જ માલગાડી હતી તે ટ્રેક ઉપર જવા માટે ગ્રીન સિગ્નલ મળે એવી રીતે ‘બહારથી કન્ટ્રોલ’ કરવામાં આવી હતી આખી સિગ્નલિંગ સિસ્ટમ ઓટોમેટેડ છે, પરંતુ બાહરથી તેને કન્ટ્રોલ કરી શકાય છે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નોંધપાત્ર રીતે જણાવ્યું કે “અમે ઘટના પાછળનું મૂળ કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી છે. આ ઘટના ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે થઈ છે.”

આથી, રેલ્વે બોર્ડે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવે તેની ભલામણ કરી છે. સરકારનું માનવું છે કે સિસ્ટમમાં કોઈપણ ખામીને નકારી શકાય છે. તેમના “લોજીક” મુજબ AI-આધારિત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમની આ પ્રકારની બેદરકારી ફક્ત “ઈરાદાપૂર્વક” હોઈ શકે છે. કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઇવરને સાહેબોએ એમ કહીને ક્લીન ચિટ આપી છે કે, તેની પાસે આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ હતું અને તે “ઓવર-સ્પીડ” ન હતો.
ટોચના રેલ્વે અધિકારીઓએપોઇન્ટ મશીન અને ઇન્ટરલોકિંગ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે તે સમજાવ્યું. તેઓ સ્વીકારે છે કે સિસ્ટમ “ખામી રહિત” અને “ફેલ સેફ” છે તેમ છતાં બહારથી છેડછાડની શક્યતાને નકારતા નથી!

ભારતીય રેલ્વે મુજબ, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ એ યાર્ડ અને પેનલના ઈનપુટ્સ વાંચવા માટેનંછ એક માઈક્રોપ્રોસેસર સાધન છે; જે સેફ- ફેઈલના સિલેક્સન ટેબલ મુજબ પ્રેસેસ કરે છે અને જરૂરી આઉટપુટ જનરેટ કરે છે. આ સિસ્ટમ જૂની રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમનો ઓપશન છે. આ દુર્ઘટનાની તપાસ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત કમિશનની રચના કરવાના નિર્દેશની માંગ કરતી અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ છે. અરજીમાં જણવ્યું છે કે હજારો અને લાખો મુસાફરો ટ્રેનોમાં દરરોજ મુસાફરી કરે છે, એથી સલામતી અને વળતર જેવી પાયાની જરૂરિયાતો માટે અધિકારીઓ દ્વારા ‘કવચ’ સિસ્ટમનું અમલીકરણ ખુબ જ જરૂરી છે.

જોકે, વૈષ્ણવે અકસ્માત સ્થળ પર પત્રકારોને આ મુદ્દો નકારી કાઢતા જણાવ્યું કે એન્ટિ-કોલિઝન સિસ્ટમ “કવચ”ના ઇન્સ્ટોલેશનને દુર્ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. “આ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં થયેલા ફેરફારને કારણે થયું”. જ્યારે કોઈ ટ્રેન સિગ્નલ ચૂકી જાય છે ત્યારે કવચ ચેતવણી આપે છે. જે ટ્રેન અથડામણનું મુખ્ય કારણ છે. આ સિસ્ટમ ટ્રેન ડ્રાઇવરને ચેતવણી આપી શકે છે, બ્રેક્સ પર કાબુ મેળવી શકે છે અને જ્યારે તે જ ટ્રેક પર બીજી ટ્રેન આવે ત્યારે ટ્રેનને રોકી શકે છે. જોકે, આ અકસ્માતમાં સામેલ માર્ગ પર કવચ ઉપલબ્ધ ન હતું. જો તે હોત તો પણ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી એક્સપ્રેસ ટ્રેનને રોકી શકી ન હોત. બ્રેક લગાવ્યા પછી ટ્રેનને રોકવા માટે ઓછામાં ઓછા 600 મીટરની જરૂર પડે છે. આ કિસ્સામાં, ટ્રેન લૂપ લાઇનમાં પ્રવેશી ત્યારે એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચેનું અંતર 200 મીટરથી ઓછું હતું.

આ દુર્ઘટના માટે રેલવે મંત્રીએ રાજીનામું આપવું જોઈએ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના રેલ્વે મંત્રી પર પ્રહાર કરવા માટે લોહીનો સ્વાદ ચાખી ચુક્યા છે તે વિપક્ષ “નૈતિક આધાર” પર રાજીનામું માંગે છે? વૈષ્ણવ ખૂબ જ સક્રિય મંત્રી છે, રેલ્વે, સંચાર અને આઈટી ટેક્નોલોજીની જેવા ત્રણ મહત્વના મંત્રાલયો તેમની પાસે છે. રેલવેને આધુનિક બનાવવાની મોદીની યોજનામાં તેઓ અગ્રેસર રહ્યા છે. અકસ્માત પછી, તેમણે સ્થળ પર 72 કલાક વિતાવ્યા, બચાવ-રાહત કામગીરીની દેખરેખ રાખી અને પાટાઓ પુનઃસ્થાપિત કર્યા.

મોદીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને વચન આપ્યું કે જે પણ દોષિત હશે તેને “કડક સજા” કરવામાં આવશે. અત્યાર સુધી કોઈપણ અકસ્માત સ્થળની મુલાકાત લેનારા તેઓ પ્રથમ પીએમ છે. નવેમ્બર 1956 માં તામિલનાડુમાં અરિયાલુર ટ્રેન દુર્ઘટનામાં 142 લોકોના મોત થયા હતા. તત્કાલીન રેલ્વે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ નૈતિક જવાબદારી લીધી હતી. લાલ બહાદુર શાસ્ત્રીની વિદાયના 43 વર્ષ પછી નીતીશ કુમારે ઓગસ્ટ 1999માં આસામમાં ગેસલ ટ્રેન દુર્ઘટનાને પગલે રેલ્વે મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું, જેમાં ઓછામાં ઓછા 290 લોકોના મોત થયા હતા. સુરેશ પ્રભુએ ઓગસ્ટ 2017માં ચાર દિવસમાં બે ટ્રેન પાટા પરથી ઉતરી જવાની નૈતિક જવાબદારી સ્વીકારીને રેલ મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. શું આપણી રેલ્વેને સુરક્ષિત બનાવવા માટે મંત્રીનું રાજીનામું એક માત્ર જવાબ છે?
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top