બાલાસોર: ઓડિસાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં (Train Accident) હવે CBIએ તપાસ શરૂ કરી છે. કોંગ્રેસ (Congress) અને અન્ય વિપક્ષીપક્ષોએ આ મામલાની તપાસ CBIને સોંપતા સવાલો ઉઠાવ્યાં છે. વિપક્ષી પક્ષોએ કહ્યું કે રેલ્વે અધિકારીઓએ પહેલા રેલ્વે ટ્રેકમાં તોડફોડ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડા થવાની આશંકા વ્યક્ત કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં પુરાવા મળ્યા છે કે સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી.
CBIને આ કેસની તપાસ સોંપ્યા પછી રેલવેના એક અધિકારીએ કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન જણાયું કે આ મામલે વધુ ઊંડી તપાસની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રારંભિક તપાસ દરમિયાન ઘણી માહિતી સામે આવી હતી. આવી સ્થિતિમાં એક વ્યાવસાયિક તપાસ એજન્સીની જરૂર છે. તેમણે કહ્યું કે સિસ્ટમમાં કોઈ પણ જાતની છેડાછાડ વગર ટ્રેનના નિર્ધારિત રૂટને મુખ્ય લાઇનથી લૂપ લાઇનમાં બદલવો શક્ય નથી.
ઓડિશા અકસ્માતમાં પ્રારંભિક તપાસમાં સિગ્નલ ઈંટરફેસિંગને અકસ્માતનું કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, રેલ્વેએ સ્ટેશન રિલે રૂમ અને કમ્પાઉન્ડ હાઉસિંગ સિગ્નલિંગ સાધનોની સલામતી માટે તમામ ઝોનલ હેડક્વાર્ટરને ઘણી માર્ગદર્શિકા જારી કરી છે અને સુરક્ષા અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં ડબલ લોકિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં બાલાસોર જેવી દુર્ઘટના ન બને તે માટે રેલવેએ સિસ્ટમમાં સુધારો કરવાનો આદેશ આપ્યો છે. સિગ્નલથી લઈને લોકીંગ સિસ્ટમ સુધીની તપાસ કરવામાં આવશે. તે જ સમયે સ્ટેશન માસ્ટર અને કંટ્રોલ રૂમ કેન્દ્રમાં સ્થાપિત તમામ ઉપકરણોની સમીક્ષા કરવામાં આવશે.
સોમવારે રેલવે તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 1100 લોકોમાંથી 900 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ડીઆરએમ ભુવનેશ્વર રિંકેશ રોયે જણાવ્યું કે, રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં લગભગ 200 લોકોની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા 278 લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
પશ્ચિમ બંગાળના ભાપના નેતા શુભેન્દ્રુ અધિકારીએ ઓડિસાની બાલાસોરની ધટનાને લઈને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ ધટના ટીએમસીની પૂર્વઆયોજિત યોજના છે. તેમણે કહ્યું સીબીઆઈ તપાસથી શા માટે મમતા બેનર્જી ડરી રહી છે. આ ધટના બીજા રાજ્યમાં થઈ તો શા માટે મમતા બેનર્જી ડરી રહી છે?