અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમાં યોજાનારી 146મી ભગવાન જગન્નાથની રથયાત્રાનું (Rathyatra) કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા (Jalyatra) આવતીકાલે નીકળશે. આ જળયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આ વખતે આષાઢી બીજને બુધવાર 21 જૂનના રોજ નીકળશે. આ રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા આવતીકાલે યોજાશે.
રથયાત્રા પૂર્વે યોજાતી આ જળયાત્રાનું અનોખું મહત્વ હોય છે. રથયાત્રાનો શરૂઆતનો આ પ્રથમ પડાવ માનવામાં આવે છે. આવતીકાલે નીકળનાર જળયાત્રા માટે મંદિર પરિસરમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બળદગાડાઓને શણગારવામાં આવી રહ્યાં છે. જળયાત્રામાં 108 કળશ લઈને સાબરમતી નદીના ભૂદર આરેના કિનારે જઈ 108 કળશમાં નદીનું જળ ભરવામાં આવે છે, ત્યારબાદ આ જળની પૂજા અર્ચના કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે આ વખતે નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે.
રથયાત્રાની સુરક્ષામાં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરાશે
અમદાવાદમાં નીકળનારી રથયાત્રાને પગલે અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન, પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વખતે રથયાત્રાની સુરક્ષામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. જેમાં ડ્રોન, ફેસ ડિટેકશન કેમેરા, પોલીસ બોડીવોર્ન કેમેરા સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.