ગાંધીનગર: રાજયમાં સતત બીજા દિવસે 19 તાલુકાઓમાં તોફાની વરસાદે (Rain) કેર વર્તાવ્યો છે, વાવાઝોડા સાથે વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. ચક્રવાતી હવાના દબાણીની સિસ્ટમ રાજસ્થાન પર સક્રિય થતાં તેના પગલે ગુજરાત ફરી એક વખત ભારે વરસાદની હાડમારીમાં ફસાયું છે. રાજયમાં વાવાઝોડા સાથે તોફાની વરાસદની સાથે વીજળી પડવાથી સાત વ્યકિતઓના મોત નીપજ્યા છે.
જેમાં છોટાઉદેપુરમાં બે, ઉત્તર ગુજરાતમાં ત્રણ તથા એક વ્યકિતનું અમરેલીમાં મૃત્યુ થયું છે. જયારે જેતપુરમાં તેજ ગતિએ પવન ફૂંકાવવાના કારણે ઉડેલું પતરું વાગવાના કારણે એક વ્યકિત્તનું મૃત્યુ થયું છે. આજરોજ સોમવારે કચ્છ, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. કચ્છના અંજારના મોડસર ગામે વીજળી પડતા 28 પશુઓના મૃત્યુ થયા છે. જેમાં કચ્છના અંજાર નજીકના મોડસર ગામે વીજળી પડતા 16 બકરા અને 12 ઘેટા મળી 28 પશુઓના મૃત્યુ થયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ ઉપરાંત એક મકાન ઉપર વીજળી પડતા મકાનની ઘરવખરી અને બહાર પાર્ક કરેલું વાહન બળી ગયું હતું. કચ્છમાં જોરદાર પવન ફૂંકાવાને કારણે ગાંધીધામ ,આદિપુર, કંડલા, અંજાર સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ વૃક્ષો તેમજ વીજળીના થાંભલાઓ તૂટી પડ્યા હતા. જેના કારણે સંખ્યાબંધ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
સોમવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, અંજારમાં પોણા બે ઈંચ, પાલીતાણા તથા ગોંડલમાં એક ઈંચ , ભાવનગરના શિહોરમાં પોણો ઈંચ , રાજકોટના જામકંડોરણા તથા કોટડા સાંગાણીમાં 18 મીમી , ગારિયાધાર તથા ગાંધીધામમાં 16 મીમી , બનાસકાંઠાના સૂઈગામમાં 14 મીમી , ભાવગરના ઉમરાળામાં 12 મીમી , અને ધોરાજીમાં 10 મીમી વરસાદ થયો હતો.
કચ્છમાં તોફાની વરસાદ: અમરેલીમાં મીની વાવાઝોડુ ત્રાટકયું
ગાંધીનગર: ચક્રવતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) થઈ રહયો છે. આજે સોમવારે સતત બીજા દિવસ કચ્છમાં (Kutch) ભારે વરસાદ થયો હતો. જયારે અમરેલીમાં મીની વાવાઝોડુ ફૂંકાયું હતું. કચ્છમાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ખાસ કરીને ગાંધીધામ, કંડલા પોર્ટ તથા અંજાર તાલુકામાં તોફાની વરસાદ થયો હતો. કંડલા પોર્ટ પર કાર્ગો હેન્ડલ કરવા માટેની મોટી ક્રેઈન અન્ય ક્રેઈન સાથે અથડાઈ હતી. ગાંધીધામમાં મોબાઈલ ટાવર પણ ધરાશાયી થયો હતો. કાચા પાકા મકાનના પતરા પણ ઉડયા હતા. કંડલામાં ભારે વરસાદના કારણે દરિયો ગાંડો થયો હતો.
બીજી તરફ રાજયમાં અમરેલી ખાતે મીની વાવાઝોડું પણ ફૂંકાયુ હતું. તેજ ગતિએ પવન ફૂંકાવવા સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. તેવી જ રીતે વીજળીના કડાકા ભડાકા સાથે બાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે. અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારે પવનોના કારણે વાવાજોડા જેવો માહોલ છે. વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરુ થયો છે. અમરેલીના શેડુભાર, વડીયા, લાઠી, લિલીયાના નાના કણકોટ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.
રાજયમાં 91 તાલુકાઓમાં વરસાદ
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં માવઠુ થયુ છે. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના બેચરાજીમાં અઢી ઈંચથી વધુ વરાસદ થયો હતો. બનાસકાંઠાના દાંતામા , અમદાવાદ સીટીમાં સવા બે ઈંચ વરસાદ થયો હતો એકંદરે 14 તાલુકાઓમાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો. બનાસકાંઠાના વડગામમાં અને પાટણના ચાણસ્મામાં બે ઈંચ વરાસદ થયો હતો. મહેસાણા , બનાસકાંઠા, પાટણ , ગાંધીનગર ,સાબરકાંઠા, ભાવનગર ,ખેડા , આણંદ સિહતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો છે.