માંડવી: માંડવીના (Mandvi) બૌધાન ગામે એક હડકાયું કૂતરું (Rabid dog) આખા ગામ માટે આફત બની ગયું છે. બુધવારે સાંજે છ વાગ્યાના અરસામાં લાલબીબી કોલોનીમાં એક બાદ એક વૃદ્ધ સહિત 5 જણા ઉપર હુમલો (Attack) કર્યો હતો.
સુરત જિલ્લામાં હડકાયા કૂતરાંઓનો આતંક એ હદે છે કે હવે તો રસ્તો પરથી પસાર થતાં પણ ડર લાગે છે. શહેરી વિસ્તારોમાં તો જાણે કૂતરાં ખુંખાર બની ગયાં હોય એ રીતે લોકોને શિકાર બનાવી રહ્યાં છે.
ઘણા કિસ્સામાં તો મોતની ઘટના પણ પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે માંડવીના બૌધાનમાં એક રખડતા કૂતરાંએ એ હદે આતંક મચાવ્યો હતો કે, દેખો ત્યાંથી શિકારની ફિરાકમાં હોય. બુધવારે સાંજે છ વાગ્યાના ગાળામાં લાલબીબી કોલોનીમાં એક વૃદ્ધ સહિત 5 જણાને હાથ અને શરીરના અન્ય ભાગે કૂતરું કરડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ સુરેશ રૂપસિંગ વસાવા (ઉં.વ.24) તેમજ ઝૈડ હુસેન સફલા (ઉં.વ.70) સહિત પાંચ જણાને સારવાર માટે માંડવી અને અરેઠ ખાતે ખસેડવાની નોબત આવી હતી. આ બનાવમાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ કૂતરાને પતાવી દીધું હતું.
બૌધાન પીએચસીમાં ઇન્જેક્શનનો અભાવ હતો: ઉપસરપંચ સાજીદ પીરભાઈ
ઉપસરપંચ સાજીદ પીરભાઈએ જણાવ્યું હતું કે, બૌધાન ગામમાં રખડતાં કૂતરાંનો ખૂબ જ ત્રાસ છે. 5 જણાને કૂતરું કરડતાં ઇજાગ્રસ્તોના પરિવારના લોકો બૌધાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી ગયા હતા. જો કે, તબીબો તો હાજર હતા, પરંતુ ઇજાગ્રસ્તોને આપવા માટે હડકવાના ઇન્જેક્શનનો અભાવ હતો. માત્ર એક ઇન્જેક્શન મળતાં બાકીના ચાર જણાને સારવાર માટે અરેઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની નોબત આવી હતી.