National

રૂ. 2000ની નોટ બદલવાના બીજા દિવસે કેટલીક બેન્કોમાં રોકડની અછત સર્જાઈ

નવી દિલ્હી: બુધવારે રૂ. 2000ની નોટ બદલવાના બીજા દિવસે કેટલીક બેન્ક શાખાઓ પાસે રોકડની કમી થઈ ગઈ હતી અને તેઓ કરન્સી તિજોરીમાંથી પુરવઠાની ફરી ભરપાઈની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તે બેન્કોએ રૂ. 2000ની ચલણી નોટોના વિનિમયને અસ્થાયી રૂપે અટકાવી દીધું હતું. કેટલીક શાખાઓમાં અપેક્ષિત કરતાં વધુ માગને કારણે કેટલીક જગ્યાએ અસ્થાયી રૂપે રૂ. 500 અને તેનાથી નીચેના મૂલ્યના ચલણની અછત સર્જાઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

મુદ્રા તિજોરીમાંથી ફરી ભરપાઈ ન થાય ત્યાં સુધી ગ્રાહકોએ થોડો સમય રાહ જોવી પડી હતી, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
જો કે, વિવિધ બેન્કોના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક્સચેન્જ માટે ચલણની અછતની કોઈ મોટી ફરિયાદ નથી.
કેનેરા બેન્કના ચીફ જનરલ મેનેજર ભાવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ‘અમે 2,000 રૂપિયાની નોટોની સરળ એક્સચેન્જ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે અમારી તમામ શાખાઓમાં 500, 200 અને 100 મૂલ્યની નોટોનો સતત પુરવઠો જાળવી રાખીએ છીએ.

રૂ. 2000ની નોટ પાછી ખેંચવાની પ્રક્રિયા વિક્ષેપ વગર સંપન્ન થશે : આરબીઆઈ ગવર્નર
નવી દિલ્હી: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું હતું કે આરબીઆઈ રૂ. 2000ની ચલણી નોટને પાછી ખેંચવા સાથેની સ્થિતિ પર નિયમિત રીતે નજર રાખી રહી છે. તેમણે આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો કે આખી કવાયત વિક્ષેપ વગર પૂર્ણ થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (આરબીઆઈ) રૂ. 2000ની ચલણી નોટને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને મંગળવારથી એક વખતમાં રૂ. 20,000 સુધીની રૂ. 2000ની ચલણી નોટ બદલવાની મંજૂરી આપી હતી. નોટોને 30 સપ્ટેમ્બર સુધી જમા અથવા બદલાવી શકાય છે.

તેમણે કહ્યું હતું કે આરબીઆઈએ રૂ. 2000ની નોટને જમા કરાવવા અથવા બદલવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે જેથી કોઈને મુશ્કેલી ન પડે. ‘ગઈકાલે કોઈ પણ જગ્યાએ ભીડ ન હતી અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મને નથી લાગતું કે તેમાં કોઈ ચિંતાની બાબત હોય અથવા કોઈ મોટો મુદ્દો બને, વેપારીક ગતિવિધિઓ ચાલી રહી છે’, એમ તેમણે કહ્યું હતું.

ડેડલાઈનને યોગ્ય ઠરાવતા તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ પ્રક્રિયા માટે સમય મર્યાદા ન હોય તે અસરકારક નથી થતી. એટલે તમારે સમય મર્યાદા આપવી પડે અને અમે પૂરતો સમય આપ્યો છે, એમ તેમણે કહ્યું હતું. અમે વિશ્લેષણ કર્યું છે કે આખી પ્રક્રિયા વિઘ્નરહિત પૂર્ણ થશે, એમ ગવર્નરે કહ્યું હતું. રૂ. 2,000 ની ચલણી નોટ રજૂ કરવામાં આવી તે પહેલાં જ તેનું ભાવિ નક્કી કરવામાં આવ્યું હતું અને તેને શક્ય તેટલી વહેલી તકે બજારમાંથી બહાર નીકાળવાની જ હતી. નોટબંધી પછી તરત જ રૂ. 2,000ની નોટોનું સર્ક્યુલેશન ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

Most Popular

To Top