નવી દિલ્હી : એશિયા કપ 2023 (Asia Cup 2023) મામલે હાલ આઘાતમાં રહેલા પાકિસ્તાન (Pakistan) ભારતમાં (India) વર્ષાંતે રમાનારા વન ડે વર્લ્ડકપમાંથી (Worldcup) આઉટ થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) (પીસીબી) દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ને હજુ સુધી વન ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની સહભાગિતા સંબંધે પુષ્ટિ કરવામાં આવી નથી. આઇસીસી અને બીસીસીઆઇ આઇપીએલ 2023 પછી વન ડે વર્લ્ડકપના શેડ્યુલને જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ ઇવેન્ટમાં ભાગ લેવા સંબંધે પાકિસ્તાને કોઈ લેખિત પ્રતિબદ્ધતા પ્રદાન કરી નથી. એશિયા કપ 2023ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ સુધી આ ટુર્નામેન્ટના સ્થળ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
- એશિયા કપના આયોજન મામલે સર્જાયેલી મડાગાંઠને બહાનુ બનાવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નવી ચાલ રમવા માંડ્યુ
- બીસીસીઆઇની જેમ પીસીબીએ પણ ભારત આવવા માટે પોતાની સરકારની મંજૂરીની રાહ જોવાનું બહાનું આગળ ધર્યું
તેની પાછળ એશિયા કપની મડાગાંઠ હોવાનું કહેવાઇ રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાન એશિયા કપ 2023નું યજમાન છે પણ બીસીસીઆઇ સચિવ જય શાહે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્લ્ડકપ માટે ભારત આવવા ન માગતું હોવાના તર્કો ઊભા થયા છે. આવી સ્થિતિમાં, હવે એ બંને દેશોની સરકાર પર નિર્ભર કરે છે કે આ બંને દેશની ક્રિકેટ ટીમ એકબીજાના દેશમાં પ્રવાસ કરશે કે નહીં. આ મામલે આઇસીસી બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન સરકાર કોઇ મંજૂરી આપે તે પછી જ પીસીબી કોઇ નિર્ણય લેશે. જો કે એવું માનવામાં આવે છે કે પીસીબી એક રીતે આ ત્રાગુ જ કરી રહ્યું છે અને તે કોઇ રીતે બીસીસીઆઇ પર દબાણ કરવા માગે છે, તેથી જ તેણે સરકારની મંજૂરીનું બહાનુ આગળ ધર્યુ છે.