અમદાવાદ: મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ અને મહિલા કર્મચારીઓને રોજગાર આપવામાં ભાજપ (BJP) સરકાર નિષ્ફળ નિવડી છે. રસોઈથી રોજગાર, લઘુ ઉદ્યોગથી લઈને લોકસભા સુધી દેશમાં મહિલાનું યોગદાન મહત્વનું છે. આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાની બણગા ફૂક્તી ભાજપ સરકારનાં શાસનમાં સ્વરોજગાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે છે, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું.
હિરેન બેન્કરએ વધુમાં કહ્યું હતું કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલયના અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની સંખ્યા માત્ર ૧૬.૬૨ ટકા, ગુજરાતનાં લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૯.૦૪ ટકા જેટલી છે. જયારે લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની ટકાવારીની રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૫૯ છે એટલે કે ગુજરાત ટકાવારીની દ્રષ્ટીએ રાષ્ટ્રીય સરેસાશ કરતા અડધી જેટલી છે. લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી રાષ્ટ્રીય સરેસાશ ૧૨.૭૦ ટકા છે જયારે ગુજરાત આંકડાની દ્રષ્ટીએ માત્ર ૯.૦૪ ટકા.જે ભાજપ સરકારના મોટા મોટા દાવાની પોલ ખોલે છે.
હિરેન બેન્કરએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારીની વાતો કરતી ભાજપ સરકાર મહિલાઓના મત મેળવવા માટે ઉપયોગ કરે છે, પરંતુ જયારે સાચા અર્થમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા સહિત મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓનું અમલીકરણનું નિરાશાજનક ચિત્ર ભાજપની મહિલા વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે. સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો, સ્વરોજગારીમાં મોટાભાગની મહિલાઓ મળવાપાત્ર સહાય, સુવિધાઓ મળતી નથી અને મોટાભાગની યોજનાઓથી વંચિત રહે તે પ્રકારે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર માટે વાતાવરણ-વ્યવસ્થા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે. જે અત્યંત ચિંતાજનક અને નિરાશાજનક છે.
રાજ્ય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સેક્ટરમાં મહિલા કર્મચારીઓ (ટકામાં)
૧. મણીપુર ૩૯.૫૪
૨. સિક્કીમ ૩૩.૦૯
૩. તમીલનાડુ ૩૦.૭૫
૪. આંદ્રપ્રદેશ ૨૯.૪૪
૫. છત્તીસગઢ ૨૨.૭૩
૬. રાજસ્થાન ૨૦.૮૨
૭. ગુજરાત ૧૬.૮૨