હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી મેચમાં નીતિશ રાણા અને રિન્કુ સિંહ વચ્ચે ચોથી વિકેટની અર્ધશતકીય ભાગીદારીને પ્રતાપે કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ખરાબ શરૂઆતમાંથી બહાર આવીને 9 વિકેટે 171 રનનો સ્કોર બનાવીને મૂકેલા 172 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) 8 વિકેટે 166 રન જ બનાવી શકતાં કેકેઆર 5 રને મેચ જીત્યું હતું.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી સનરાઇઝર્સની શરૂઆત પણ એટલી સારી રહી નહોતી અને તેમણે એક તબક્કે 54 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. તે પછી એડન માર્કરમ અને હેનરિક ક્લાસેને મળીને 50 રનની ભાગીદારી કરીને સ્થિતિ કાબુમાં લીધી હતી. ક્લાસેન 36 અને માર્કરમ 41 રન કરીને આઉટ થયા હતા. સનરાઇઝર્સે અંતિમ ઓવરમાં જીતવા માટે કરવાના આવેલા 9 રન સામે માત્ર 3 જ રન કરી શક્યું હતું. આ પહેલા ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કરનાર કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને તેમણે પાવરપ્લેમાં જ 35 રનના સ્કોર સુધીમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. નીતિશ અને રિન્કુએ તે પછી ચોથી વિકેટની ભાગીદારીમાં 61 રન ઉમેરીને સ્થિતિ સુધારી હતી. નીતિશ 31 બોલમાં 42 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 4 વિકેટે 86 રન થયો હતો. રિન્કુ પણ 35 બોલમાં 46 રન કરીને આઉટ થયો હતો અને અંતિમ ઓવરમાં કોલકાતા નાઇટ રાઇડર્સે માત્ર 3 રનના ઉમેરામાં બે વિકેટ ગુમાવતા અંતે તેમનો સ્કોર 9 વિકેટે 171 રન થયો હતો.