National

કેરળમાં PM દ્વારા જે વંદે ભારતને લીલી ઝંડી અપાઈ તેના પર કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટર લગાવીને વિવાદ સર્જ્યો!

નવી દિલ્હી: કેરળની (Kerala) પ્રથમ વંદે ભારત ટ્રેને (Vande Bharat Train) મંદળવારે પીએમ મોદીએ (PM Modi) લીલી ઝંડી બતાવી હતી. થિરૂવનંથપુરમ અને કાસારગોડ વચ્ચે ઉદઘાટન દોડ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો રેલવે ક્રોસિંગો, ફ્લાયઓવરો, ખેતરોમાં તથા અન્ય જોઇ શકાય તેવા સ્થળોએ ઝલક પામવા માટે ઉભા રહી ગયા હતા. ત્યારે આ ટ્રેનની પ્રથમ યાત્રા પૂર્ણ થાય તે પહેલા તે ચર્ચામાં આવી છે. જાણકારી મળી આવી છે કે પલક્કડના શોરાનુર સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરોએ એક બોગી પર પાર્ટીના સાંસદ વીકે શ્રીકંદનના અનેક પોસ્ટર ચોંટાડ્યા હતા. જોકે, બાદમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ પોસ્ટર હટાવી દીધા હતા અને આ મામલે કેસ નોંધ્યો હતો.

શ્રીકંદને ભાજપ પર શંકા વ્યક્ત કરી
આ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ કાર્યકરને ટ્રેનમાં પોસ્ટર લગાવવા માટે કહેવામાં આવ્યું નથી. તે જ સમયે સાંસદ શ્રીકંદને પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોસ્ટરો તેમની જાણ વગર લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સ્ટેશન પર પોસ્ટરો ચોંટાડવા માટે કોઈ સામગ્રી વાપરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સ્પષ્ટતા થાય છે કે કોઈએ ફક્ત ફોટા અને વીડિયો બનાવવા માટે આ કર્યું છે. શ્રીકંદને ભાજપ પર પણ શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના પાછળ ભાજપનો હાથ હોઈ શકે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કોંગ્રેસ સમર્થકોનું એક જૂથ ટ્રેનનું સ્વાગત કરવા પહોંચ્યું હતું દરમિયાન વરસાદ પણ પડી રહ્યો હતો અને કેટલાક કામદારોએ બોગીની ભીની કાચની બારીઓ પર પોસ્ટર ચોંટાડ્યા હતા.

ટ્રેનના પ્રથમ પ્રવાસ વખતે શાળાના કેટલાક બાળકોને મુસાફરી કરવા માટે પસંદ કરવામાં આવ્યા
થિરૂવનંથપુરમ-કાસારગોડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન મોદીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઇ વિજયન સહિતનાઓની હાજરીમાં ઝંડી બતાવી હતી. આ પ્રસંગે કેટલાક લોકોએ તિરંગો ફરકાવ્યો હતો અને ટ્રેન પર ફૂલની પાંખડીઓ વરસાવી હતી. આ વંદે ભારત ટ્રેનના પ્રથમ પ્રવાસ વખતે શાળાના કેટલાક બાળકોને આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમણે તથા તેમના વાલીઓએ આ ટ્રેનના પ્રથમ રનમાં ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. ટ્રેન રવાના થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ આ બાળકો સાથે વાતચીત પણ કરી હતી અને તેનાથી આ બાળકો ખુશખુશાલ થઇ ગયા હતા.

Most Popular

To Top