સુરત: સુરતના અમરોલી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા મળેલી 500 રૂપિયાની બનાવટી ચલણી નોટ મામલે SOGને મોટી સફળતા મળી છે. 500ના દરની 17 લાખની બનાવટી ચલણી નોટો SOGનાં હાથે લાગી છે. પોલીસને ચેન્નઈથી નકલી ચલણી નોટોનું કારખાનું મળી આવ્યું છે જેના તાર સુરત સાથે જોડાયેલા છે. પોલીસે ચેન્નઈથી (Chennai) મોટી માત્રામાં બનાવટી ચલણી નોટો છાપવાનું જે મોટું રેકેટ ઝડપી પાડ્યું છે તેમાં આવનારા દિવસોમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.
- આ અગાઉ પણ પોલીસે બનાવટી ચલણી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું હતું
- ઓસઓજીએ એક આરોપીની ચેન્નઈથી ધરપકડ કરી, અત્યાર સુધી કુલ ચાર આરોપીઓને દબોચવામાં આવ્યા
- ભારતીય ચલણી નોટમાં વપરાતા બનાવટી તાર પણ મળી આવ્યા
- બનાવટી ચલણી નોટોના રેકેટમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી
બનાવટી ચલણી નોટો મામલે પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓની પુછપરછ કરી હતી. પુછપરછ દરમ્યાન આરોપીઓને નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે તામિલનાડુ ચેન્નઈ ખાતે રહેતા મુખ્ય સૂત્રધારે આપી હતી. SOGને મળેલી આ બાતમીના આધારે તેણે તાત્કાલિક ઓપરેશન ચેન્નઈ હાથ ધર્યું હતું. આ કેસમાં ઓસઓજીએ એક આરોપીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓને દબોચવામાં આવ્યા છે. આરોપી પાસેથી નોટ છાપવામાં વપરાતા અલગ અલગ પ્રિન્ટર મશીન, લેપટોપ, 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર મોટી માત્રામાં કબ્જે કરવામાં આવ્યા છે. ભારતીય ચલણી નોટમાં વપરાતા બનાવટી તાર પણ મળી આવ્યા છે.
જણાવી દઈએ કે થોડાં દિવસ પહેલા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ પાનના ગલ્લે રુપિયા 500ના દરની બનાવટી ચલણી નોટ વટાવવા આવેલ શખ્સને જાગૃત નાગરિકની મદદથી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શાંતિલાલ મેવાડા પાસેથી 500ના દરની 32 જેટલી બનાવટી ચલણી નોટો કબ્જે કરી વધુ ઊંડાણપૂર્વકની તપાસ અમરોલી પોલીસે હાથ ધરી હતી. આ કેસમાં બનાવટી ચલણી નોટોના કારોબારમાં બેંગ્લોરનું કનેક્શન બહાર આવ્યું હતું. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત બનાવટી ચલણી નોટોના રેકેટમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.