આજે મહત્ત્વતા ગુમાવી રહેલી અને હજારો વર્ષથી ચાલતી આવેલી ગુરુ – શિષ્ય પરંપરાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આદિ ગુરુ શંકરાચાર્ય અને શિષ્ય તોટકાચાર્યજી. આદિગુરુ શંકરાચાર્યે સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર અને પુનરોધ્ધારનું ખૂબ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. સનાતન ધર્મમાં ધર્મ સાહિત્યની ગદ્ય-પદ્ય રચનાઓ, ધર્મસ્થાપત્યો અને ધર્મસ્થાપના માટે આદિગુરુ શંકરાચાર્યનું સ્થાન હંમેશ પહેલી હરોળનું રહ્યું છે. આઠમી – નવમી સદી (ઇ.સ.788 થી 820) દરમ્યાન થઇ ગયેલા આદિ ગુરુ શંકરાચાર્ય અદ્વેત વેદાંતના પ્રણેતા, મૂર્તિપૂજા અને પંચાયતન પૂજાના પ્રવર્તક હતા. તેમણે દેશમાં ચારે દિશામાં મઠની સ્થાપના કરી જેમાં (1) બદરીકાશ્રમ (જયોતિર્મઠ) (2) શૃંગેરીપીઠ (3) દ્વારિકાપીઠ અને (4)શારદાપીઠનો સમાવેશ થાય છે. તેમની હયાતીમાં અંગત કહેવાતા બહુ ઓછા શિષ્યો હતા. તોટકાચાર્ય એ લોકોમાં ખૂબ ઓછું જાણીતું નામ છે. જે શંકરાચાર્યના ચાર શિષ્યોમાંના એક હતા. તોટકાચાર્યનો એક સંક્ષિપ્ત પરિચય જાણવાનો અહીં પ્રયાસ છે.
આદિગુરુ શંકરાચાર્ય બદરીનાથ ધામમાં વેદાંત દર્શન પર ભાષ્ય રચના કરી રહ્યા હતા ત્યારે તેમના પ્રિય અને વિદ્વાન શિષ્યો સાથે સતત ચિંતન, મનન પછી જ્ઞાનની વાતો અને ઉપદેશક દોર ચાલતો. એ સમય દરમ્યાન ગીરી નામનો એક બાળક શંકરાચાર્યના સંપર્કમાં આવેલ. થોડો મંદબુધ્ધિ જેવો લાગતો આ બાળક શંકરાચાર્યની સતત સેવા કરતો મોટો થવા લાગ્યો. આદિગુરુ શંકરાચાર્યને ભગવાન તુલ્ય સમજી તેમની સેવામાં કોઇ ઊણપ નહિ રાખતો તે છતાં સમય કાઢીને શંકરાચાર્યની સાથે તેમના વિદ્વાન શિષ્યો પદ્યપાદાચાર્ય, સુરેશ્ચરાચાર્ય અને હસ્તામલકાચાર્ય ધર્મની વાતો કરતા હોય તે દરમ્યાન ત્યાં દૂર બેસીને ધર્મને સમજતો.
એક વખત ગુરુ-શિષ્યોની ધર્મ-ચર્ચાનો સમય થયો હતો પણ શંકરાચાર્ય પ્રારંભ નહોતા કરતા એથી શિષ્યોએ કારણ પૂછયું તો શંકરાચાર્યે કહ્યું કે ગીરી હજુ આવ્યો નથી. સાંભળીને શિષ્યો હસી પડયા, કહ્યું કે, ‘‘ગુરુજી, એ મૂર્ખ, મંદબુદ્ધિ આપણી ધર્મગોષ્ઠીમાં નહિ હશે તો કશો ફરક પડવાનો નથી’’ પણ કાયમ હાજરી જેની રહેતી એવા ગીરીને મૂર્ખ અને મંદબુદ્ધિ કહેનારા તેમના વિદ્વાન શિષ્યોના જ્ઞાન પરના ઘમંડની અનુભૂતિથી શંકરાચાર્યજી વ્યથિત થયા તેમણે આંખો બંધ કરી મનોમન પ્રિય એવા શિષ્ય ગીરીને માનસિક જ્ઞાન પ્રદાન કર્યું. એ દરમ્યાન ગુરુજીના વસ્ત્રો ધોવા માટે નદીઘાટ પર ગયેલો ગીરી પરત ફર્યો પણ ત્યારે તેનામાં ગુરુદેવ તરફથી મળેલ જ્ઞાન થકી મોટું પરિવર્તન જણાયું હતું અને તેણે સ્તોત્રગાન કર્યું.
વિદિતાખિલશાસ્ત્ર સુધા જલધે, મહિતોપનિષત્ક થિતાર્થનિધે I
હૃદયે કમલે વિમલં ચરણં, ભવશંકરદેશિમ મમ શરણમ્ II
કરુણાવરુણાલય પાલયમામ, ભવસાગર દુ:ખવિદૂન હૃદય I
રચયાખિલ દર્શન તત્ત્વવિદં ભવ શંકરદેશિકમમ્ શરણં II
ત્યાં બેઠેલા બધા શિષ્યોનો ઘમંડ ઊતરી ગયો અને અવાચક બની ગીરીને જોતા રહ્યા. ગીરીની આ સ્તોત્રરચના ટોટકા સ્વરૂપે હતી તેથી ગુરુ શંકરાચાર્યે તેને તોટકાચાર્ય નામ આપી ઉત્તમ શિષ્ય તરીકે બદરીકાશ્રમ (જયોતિર્મઠ) મઠનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.
જયોતિર્મઠ અથવા તો જોષીમઠ તરીકે જાણીતી જગ્યા પર શંકરાચાર્યની ગુફા છે ત્યાં તોટકાચાર્યની પ્રતિમા પ્રસ્થાપિત છે અને પ્રતિવર્ષ પટ્ટાભિષેક મહોત્સવ ઉજવાય છે. બે વર્ષ પહેલાં 2021માં અહીં વેદાભ્યાસ માટે વેદ વિદ્યાલયનો પ્રારંભ કરાયો છે. જયાં રહેવા-જમવા સાથે નિ:શુલ્ક વેદ-પુરાણના શિક્ષણનો પ્રબંધ છે. આચાર્ય તોટકાચાર્યે ઘણી બધી ગદ્ય-પદ્ય રચનાઓ કરી છે તેમાં તેમનું ‘તોટકાષ્ટકમ’ ખૂબ વિખ્યાત છે. તોટકાચાર્યની પ્રેરણાથી કેરળમાં કાસરગોડ ખાતે 1200 વર્ષ પૂર્વે બનેલા એક મઠની એક રસપ્રદ વાત છે.
રામ જન્મભૂમિ મુકિતનો કેસ લાંબો ચાલ્યો પણ તેના જેવો જ લાંબા ચુકાદાનો કેસ કેરળના કાસરગોડના આ શૈવમઠનો છે. 1960-70માં આ મઠના પિઠાધિકારી સ્વામી કેશવાનંદ ભારતી શંકરાચાર્યની પદવી પર હતા તે દરમ્યાન કેરળની વામપંથી સરકારના ભૂમિ સુધાર કાનૂન અંતર્ગત જમીનદારોની અને આ મઠ જેવા અનેક ધાર્મિક સ્થળોની હજારો એકર જમીનો સરકારી કબજા હેઠળ ચાલી ગઇ હતી.
સ્વામી કેશવાનંદ ભારતી આ કાનૂનના વિરોધમાં કોર્ટમાં ગયા હતા. સ્થાનિક કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા પણ ન્યાય ના મળતા મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. પ્રખર વકીલ નાની પાલખીવાળાની ન્યાયિક લડાઇના પરિણામ સ્વરૂપ 11 જજોની સુપ્રીમ કોર્ટની કમીટિ દ્વારા 31 ઓકટોબર 1972 થી 23 માર્ચ 1973 દરમ્યાન 68 દિવસ સુધી થયેલ સુનવાઇમાં 703 પાનાનો ચુકાદો કેશવાનંદ ભારતી તરફી આવ્યો હતો અને મઠને જમીન પુન:પ્રાપ્ત થઇ હતી. રામમંદિર કેસ પૂર્વેનો આ સૌથી લાંબા સમય સુધી ચાલનાર ચુકાદો હોવાનું મનાય છે.