Gujarat

જંત્રીના દરોમાં રહેલી વિસંગતતા દૂર કરવા વેલ્યુ ઝોનમાં સર્વે હાથ ધરાશે: મોબાઈલ એપ્લિકેશનનો યુઝ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જંત્રીના (Jantri) દરોનો અમલ શરૂ થઇ ચૂક્યો છે પરંતુ તેમાં નવા દરો નક્કી કરવા અને દરોની વિસંગતતા દૂર કરવા રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જંત્રી રિવિઝન માટે વેલ્યુ ઝોનમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. કુલ બે સભ્યોની ટીમ તૈયાર કરી જંત્રી સર્વેની કામગીરી કરતાં પહેલાં કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. એટલું જ નહીં, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સર્વે થઇને આવેલા ડેટા એન્ટ્રીનું વેરિફિકેશન સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં સબંધિત સબ રજીસ્ટ્રાર તેમજ નોંધણી નિરીક્ષક દ્વારા તેમના કાર્યક્ષેત્ર પ્રમાણેની કાર્યવાહી કરવાની રહેશે.

સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક જૈનું દેવન દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલાં જિલ્લામાં આવેલા તાલુકાના ગામોની સંખ્યા પ્રમાણે નક્કી થતાં યુનિટ અને શહેરી વિસ્તાર માટે નક્કી થતી ટીમની સંખ્યા માટે પ્રત્યેક ટીમમાં પુરતો સ્ટાફ ઉપલબ્ધ થાય તે હેતુથી વિવિધ કચેરીઓ પાસેથી અનુભવી સ્ટાફની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે જિલ્લા કક્ષાએ જંત્રી રિવિઝનની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની થાય છે. આ કામ માટે તાલુકા-વિસ્તાર માટે વર્ગ-1ના અધિકારીની લાયઝન તરીકે નિયુક્તિ કરવાની રહેશે. હાલમાં નકશા પર વેલ્યુઝોન બનાવવાની પ્રથમ તબક્કાની કામગીરી ચાલુ છે જે પૂર્ણ થયે બીજા તબક્કામાં સર્વેની કામગીરી ઝૂંબેશ રૂપે હાથ ધરવાની રહેશે.

સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ દ્વારા કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ સર્વે મોબાઇલ એપ્લિકેશન મારફતે કરવામાં આવશે. મહેસુલ વિભાગે વેલ્યુઝોનની સંખ્યાને આધારે સર્વે માટેની ટીમ બનાવવાની રહેશે જેમાં અનુભવી સ્ટાફને લેવાશે કે જેથી સર્વેનું કાર્ય ઝડપથી પૂર્ણ થઇ શકે અને તેના આધારે વિસંગતતા દૂર કરી પગલાં લેવામાં આવશે. સર્વેમાં પ્રત્યેક ગામના સર્વે નંબર તેમજ શહેરી વિસ્તારના છેડાને આવરી લેવામાં આવશે.

ગ્રામ્ય ટીમમાં પ્રથમ સભ્ય તરીકે નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, તલાટી કે ક્લાર્ક પૈકી કોઇપણ એક કર્મચારી અને બીજા સભ્ય તરીકે માર્ગ-મકાન, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના કર્મચારી પૈકી એક ટેકનિકલ કર્મચારી રહેશે.
શહેરી શહેરી ટીમમાં પ્રથમ સભ્ય તરીકે સબંધિત કોર્પોરેશન, ઓથોરિટી કે નગર આયોજનના કર્મચારી પૈકી કોઇ એક ટેકનિકલ કર્મચારી અને બીજો સભ્ય તરીકે માર્ગ-મકાન, જિલ્લા પંચાયતનો સ્ટાફ, નાયબ મામલતદાર કે તલાટી પૈકી કોઇ એક કર્મચારી રહેશે.

Most Popular

To Top