SURAT

સુરતમાં યોજાયેલ સાડી વોકેથોનની PM મોદીએ કરી પ્રશંસા, ટ્વીટ કરીને આપી આ પ્રતિક્રિયા

સુરતમાં (Surat) યોજાયેલ સાડી (Sari) વોકથોનની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. સાડીઓના શહેર તરીકે જાણીતા સિલ્ક સિટી સુરત સાડી વોકેથોનથી ચર્ચામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાના મહિલા કમિશ્નર શાલીની અગ્રવાલ અને મેયર (Mayor) હેમાલી બોઘાવાલાના પ્રયાસોથી દેશની સૌ પ્રથમ સાડી વોકેથોન 9 એપ્રિલે ઉમરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જે અંગે વડાપ્રધાનની પ્રતિક્રિયા આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાડી વોકેથોનની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું છે. ખરેખર તેમણે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું કે, ‘સુરત સાડી વોકેથોન ભારતીય ટેક્સટાઈલ પરંપરાને લોકપ્રિય બનાવવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે.’

જણાવી દઈએ કે સુરત ખાતે દેશના પ્રથમ સાડી વોકેથોનમાં 10 હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વોકેથોનની થીમ ‘વોક ફોર યોર હેલ્થ ઈન સિક્સ યાડર્સ ઓફ એલિગન્સ’ રાખવામાં આવી હતી. 9 એપ્રિલના રોજ સવારે 6.30 કલાકે 3 કિલોમીટર લાંબી સાડી વોકેથોનને કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલા અને કમિશ્નર શાલીની અગ્રવાલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો મેસેજ દ્વારા સાડી વોકેથોનમાં ભાગ લેનાર મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે કહ્યું હતું કે, ‘આઝાદીના અમૃત કાળમાં સુરત એક ભારત, શ્રેષ્ઠ ભારત ની પ્રતીતિ કરાવી રહ્યું છે. ‘લઘુ ભારત’ સમાન સુરતમાં મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો આપતી સુરત સાડી વોકેથોનથી એક નવો રેકોર્ડ રચાયો છે.’

સાડી વોકેથોનમાં શહેરના મેયરની સાથે હજારો મહિલાઓ ‘વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ’ના તાલ પર યોગ ગરબામાં જોડાયા હતા. સાડી વોકેથોનમાં ગુજરાતી સાડી, બંગાલી સાડી, ચણિયા-ચોળી, ઘરચોળુંની સાથે મહારાષ્ટ્રની શાન સમાન નવવારી સાડી પહેરેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. વિવિધ રાજ્યોની વિશેષતા દર્શાવતી સાડીઓ પહેરીને વોકેથોનમાં જોડાવાની સાથે-સાથે મહિલાઓનાં ગ્રૃપો દ્વારા એક સમાન કલરકોડ કે એક સમાન સાડી ધારણ કરી વોકેથોનમાં જોડાઈ હતી.

Most Popular

To Top