દુબઈ : ભારતનો (India) આક્રમક બેટ્સમેન (Batsman) સૂર્યકુમાર યાદવ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા બુધવારે જાહેર કરાયેલા ટી-20 રેન્કિંગમાં બેટ્સમેનોના લિસ્ટમાં ટોચના સ્થાને છે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો સૂર્યકુમાર 906 પોઈન્ટ સાથે પહેલા ક્રમે છે અને તે બીજા સ્થાને રહેલા પાકિસ્તાનના (Pakistan) મહંમદ રિઝવાન પર 100થી વધુ પોઈન્ટની સરસાઇ ધરાવે છે.
- ટોપ ટેન બેટ્સમેનમાં સૂર્યકુમારને છોડીને બીજો કોઇ ભારતીય નથી, વિરાટ કોહલી 15માં ક્રમે બીજો શ્રેષ્ઠ ભારતીય બેટર
- બોલર્સ રેન્કિંગમાં અર્શદીપ 14માં ક્રમ સાથે શ્રેષ્ઠ ભારતીય, ભુવનેશ્વર કુમાર એક સ્થાનના નુકસાન સાથે 19માં ક્રમે
ટોપ 10માં સામેલ એકમાત્ર ભારતીય બેટ્સમેન સૂર્યકુમારે 2022માં ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે સારું પ્રદર્શન જાળવી રાખ્યું હતું. માજી કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોની યાદીમાં 15માં ક્રમે બીજો સર્વશ્રેષ્ઠ ભારતીય છે. બોલર્સ રેન્કિંગમા ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહ 14માં સ્થાન સાથે ટોચનો ભારતીય છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર એક સ્થાનના નુકસાન સાથે 19મા ક્રમે છે. ઓલરાઉન્ડરોની યાદીમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન પછી ભારતનો હાર્દિક પંડ્યા બીજા ક્રમે છે.
ટી-20 રેન્કિંગ ટોપ ટેન બેટ્સમેન
ક્રમ ખેલાડી દેશ રેટિંગ
1 સૂર્યકુમાર યાદવ ભારત 906
2 મહંમદ રિઝવાન પાકિસ્તાન 798
3 બાબર આઝમ પાકિસ્તાન 769
4 એડન માર્કરમ દ.આફ્રિકા 748
5 રાઇલી રોસો દ.આફ્રિકા 724
6 ડેવોન કોનવે ન્યુઝીલેન્ડ 723
7 મહંમદ વસીમ યુએઇ 716
8 ડેવિડ મલાન ઇંગ્લેન્ડ 705
9 એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 680
10 જોશ બટલર ઇંગ્લેન્ડ 670