બેંગલુરૂ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં (IPL) વિકેન્ડ એટલે ડબલ હેડરનો દિવસ અને આવતીકાલે શનિવારે આ ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે અહીંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિય પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) હરાવીને દિલ્હી કેપિટલ્સ (DC) પોઇન્ટ ટેબલમાં પોતાનું ખાતુ ખોલાવવા માગશે, જો કે આરસીબીને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું તેના માટે કોઇ રીતે સરળ નહીં રહે.
આઇપીએલમાં આરસીબીના ખાતામાં માત્ર 1 જીત નોંધાઈ છે, જ્યારે દિલ્હીની ટીમે હજુ સુધી જીતનું ખાતું ખોલ્યું નથી. એ ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સે પોતાની છેલ્લી ચારેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે હરાવવું ક્યારેય સરળ હોતું નથી. તેમાં પણ હાલમાં ટીમની બેટિંગની કરોડરજ્જુ એવા આરસીબીના ટોપ-3 બેટ્સમેન વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, અને ગ્લેન મેક્સવેલ ફોર્મમાં છે. આ સાથે જ બોલિંગ વિભાગની જવાબદારી મહંમદ સિરાજ, ડેવિડ વીલી, વેન પાર્નેલ, હર્ષલ પટેલ અને કર્ણ શર્મા જેવા બોલરો પર રહેશે. વળી શ્રીલંકાનો ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગા પણ ટીમ સાથે જોડાઇ ગયો છે ત્યારે તેમની તાકાત હવે વધી જશે.
દિલ્હીની ટીમની વાત કરીએ તો વોર્નરની આગેવાની હેઠળની ટીમે મુંબઈ સામેની છેલ્લી રોમાંચક મેચમાં મળેલી હારને ભૂલીને લીગમાં પ્રથમ જીતની શોધમાં મેદાનમાં ઉતરશે. દિલ્હીની બેટિંગની વાત કરીએ તો પૃથ્વી શોનું બેટ સંપૂર્ણ રીતે શાંત છે. આવી સ્થિતિમાં પૃથ્વી શૉની જગ્યાએ અન્ય કોઈ ઓપનરને તક મળે તેવી શક્યતા છે. જો કે તેની બેન્ચ સ્ટ્રેન્થ પણ એટલી મજબૂત નથી અને તેમાં એકમાત્ર રિપલ પટેલ એવો છે જે ટીમમાં સ્થાન મેળવી શકે તેમ છે.