Gujarat

મુદત પુરી: રાજ્યમાં 15મી એપ્રિલથી જંત્રીના દરો બમણા

ગાંધીનગર: રાજયમાં મોકૂફ રખાયેલા નવા જંત્રીના (Jantri) બમણા દરો હવે આગામી તા.15મી એપ્રિલથી અમલી બનશે. આવતીકાલે જાહેર રજા હોઈ કોઈ દસ્તાવેજો (Dastavej) થઈ શકશે નહીં, જયારે નવા બણણાં જંત્રીના દોર તા.15મી એપ્રિલથી અમલી બનાવા જઈ રહયા છે. હવે 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે. દાદાની સરકારે ગત 4થી ફેબ્રુઆરીના રોજ જ્યારે જંત્રીના દરો બમણાં કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ધરતીકંપ આવી ગયો હતો. રાજ્યભરમાં વ્યાપક વિરોધના પગલે પાર્ટી સંગઠનની દરમ્યાનગીરીથી સરકારે નવા દરો 15મી એપ્રિલ સુધી મોકુફ રાખ્યા હતા, જેનો શનિવારથી અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે.

સરકારે જે મુદ્દત આપી હતી તે 14મી એપ્રિલની મધરાતે પૂર્ણ થઇ રહી છે. હાલના તબક્કે સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 14મી એપ્રિલના રાત્રીના 12 વાગ્યા સુધી જે તે દસ્તાવેજોમાં સ્ટેમ્પડ્યુટી નક્કી થઇ ગઇ હોય અને લેનાર-વેચનારની સહીઓ થઇ હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી અમલી રહેશે પરંતુ કોઇ નવા વ્યવહારોના કિસ્સામાં તે 15મી એપ્રિલ કે ત્યારબાદના હશે તેમાં નવી જંત્રી લાગુ પડશે. જંત્રીના દરોમાં વધારો થવાનો હોવાથી સરકારને તેની પોઝિટીવ અસર પડશે, કેમ કે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં બમણો વધારો થઇ રહ્યો છે પરંતુ મિલકત ખરીદનારા ગ્રાહકોને મોટો ફટકો છે કેમ કે જમીન-મકાન અને પ્રોપર્ટીની કિંમતોમાં ઉછાળો આવે તેવી સંભાવના છે. ખરીદનારાને દસ્તાવેજોમાં બમણાં નાણાં ભરવાના રહેશે.છેલ્લે રાજયમાં એપ્રિલ 2011માં સુધારેલી જંત્રી અમલી બની હતી. તે પછી હવે 15મી એપ્રિલ-2023થી નવી બમણી જંત્રીના દરો અમલી બની રહયા છે.

સબ રજીસ્ટ્રાર કચેરીઓ ટેકનિકલ કારણસર ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે
રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત તા. ૧૧ અને ૨૫ માર્ચ તેમજ ૦૪, ૦૭ અને ૦૮ એપ્રિલ-૨૦૨૩ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી, જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનિકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું. આગામી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનિકલ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે તેમ સુપ્રી. ઓફ સ્ટેમ્પસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ જે પક્ષકારોએ તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ની એપોઈમેન્ટ લીધી હોય તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે તેમણે અગાઉ મેળવેલા ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.

Most Popular

To Top