અગાઉની યુપીએ સરકાર વખતે અગ્રણી ચળવળકાર અન્ના હજારેએ જે ભ્રષ્ટાચાર વિરોધી પ્રચંડ જન આંદોલન શરૂ કર્યું હતું ત્યારે તેમના આંદોલનમાંના કેટલાક જાણીતા ચહેરાઓમાંનો એક ચહેરો અરવિંદ કેજરીવાલ હતો. આ કેજરીવાલ એક આઇઆરએસ અધિકારી હતા અને નોકરીમાંથી રાજીનામુ આપીને તેઓ આ આંદોલનમાં જોડાયા હતા. થોડા સમય પછી આંદોલન તો મંદ પડીને સંકેલાઇ ગયું પણ કેજરીવાલ અને તેમના કેટલાક સાથીદારોએ પોતાના એક રાજકીય પક્ષની સ્થાપન કરી અને તેને આમ આદમી પાર્ટી એટલે કે સામાન્ય માણસનો પક્ષ એવું નામ આપ્યું. વર્ષ ૨૦૧૨માં આ પક્ષની સ્થાપના થઇ અને હાલ એપ્રિલ ૨૦૨૩માં તો આ પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો મળી ગયો છે.
વર્ષ ૨૦૧૨માં સ્થપાયેલ આપ પક્ષ હાલમાં દિલ્હી અને પંજાબ એમ બે રાજ્યોમાં સત્તા પર છે. દિલ્હીમાં તો અનેક વખત સત્તા પર આવી ચુક્યો છે જ્યારે પંજાબમાં હાલ ગયા વર્ષે જ ચૂંટણી જીતીને તેણે સત્તા પ્રાપ્ત કરી છે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં પણ તેણે પાંચ બેઠકો જીતી હતી. આપ પક્ષે ગુજરાતમાં ૧૨.૯૨ ટકા મત મેળવ્યા હતા અને તેણે ગુજરાતમાં રાજ્ય પક્ષ બનવા માટેના તમામ ધોરણો પૂર્ણ કરી દીધા છે. આ પક્ષ દિલ્હી, ગોવા અને પંજાબમાં રાજ્ય કક્ષાના પક્ષ તરીકેનો દરજ્જો ધરાવે જ છે. તેણે રાષ્ટ્રીય પક્ષ બનવા માટેના તમામ ધોરણો પૂર્ણ કર્યા છે અને તેથી તેને રાષ્ટ્રીય પક્ષ જાહેર કરવામાં આવ્યો છે એ મુજબ ચૂંટણી પંચ તરફથી આ સોમવારે જાણવા મળ્યું હતું. ટૂંકા સમયમાં તેણે મેળવેલી આ સિદ્ધી વખાણવાલાયક તો છે જ.
આપ પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજજો મળ્યો છે તો ત્રણ અગ્રણી પક્ષોએ આ દરજ્જો ગુમાવ્યો છે. પીઢ નેતા શરદ પવારનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ(એનસીપી), પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી(ટીએમસી) અને ડાબેરી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(સીપીઆઇ)એ રાષ્ટ્રીય પક્ષ તરીકેની કેટલીક લાયકાતો ગુમાવતા તેમનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે એ મુજબ ચૂંટણી પંચ તરફથી જાણવા મળ્યું છે. આ પક્ષોનો વોટશેર ઘટી ગયો હતો. દેશભરમાં તેમનો મત હિસ્સો છ ટકા કરતા ઓછો થઇ ગયો હતો.
તૃણમૂલ કોંગ્રેસે તાજેતરની ચૂંટણીઓમાં ગોવામાં અને કેટલાક ઉત્તર પૂર્વીય રાજ્યોમાં નબળો દેખાવ કર્યો હતો, જ્યારે સીપીઆઇએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં નબળો દેખાવ કર્ય હતો. હાલના આ ફેરફાર પહેલા આઠ પક્ષો – ભાજપ, કોંગ્રસ, બસપા, એનસીપી, ટીએમસી, સીપીઆઇ, સીપીઆઇ(એમ) અને નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી) પાસે રાષ્ટ્રીય પક્ષનો દરજજો હતો. હવે આમાંથી એનસીપી, ટીએમસી અને સીપીઆઇની બાદબાકી થઇ છે જયારે આપ પક્ષ ઉમેરાયો છે તેથી હવે દેશમાં છ રાષ્ટ્રીય પક્ષો રહ્યા છે.
આમાંથી ડાબેરી પક્ષ સીપીઆઇ તો કયારનો પરવારી ગયો હતો પરંતુ શરદ પવારના એનસીપી અને મમતાના ટીએમસીની પીછેહટ નોંધપાત્ર છે. આ બંને પક્ષો ફરીથી કાઠું કાઢી શકે પરંતુ હાલ તો તેમની પીછેહટ થઇ જ છે. ચૂંટણી પ્રતિક(અનામત અને ફાળવણી) આદેશ, ૧૯૬૮ મુજબ કોઇ રાજકીય પક્ષને ત્યારે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે જ્યારે તે આ ત્રણ શરતો પૂરી કરે: એક તો તેણે લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીઓમાં ચાર અથવા તેથી વધુ રાજ્યોમાં ઓછામાં ઓછા ૬ ટકા મત મેળવ્યા હોય અને વધુમાં લોકસભામાં ઓછામાં ઓછા ચાર સભ્યો હોય. બીજું કે તેની પાસે લોકસભાની કુલ બેઠકોની ઓછામાં ઓછી બે ટકા બેઠકો હોવી જોઇએ અને તેના ઉમેદવારો ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાંથી આવતા હોવા જોઇએ અને ત્રીજું – તેને ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં રાજ્ય કક્ષાના પક્ષ તરીકેનો દરજ્જો મળ્યો હોવો જોઇએ.
આપ પક્ષે આ ત્રણેય શરતો પૂર્ણ કરી છે. કોઇ પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે તો તેને તમામ રાજ્યોમાં સમાન ચૂંટણી પ્રતિક મળી શકે છે. તેને ચૂંટણીઓ વખતે દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો જેવા જાહેર પ્રસારકો પર મફત પ્રચાર કરવા મળી શકે છે અને નવી દિલ્હીમાં પક્ષની કચેરી શરૂ કરવા માટે તેને જગ્યા ફાળવવામાં આવે છે. આ બધા ભૌતિક લાભો તો કેજરીવાલના પક્ષને મળી શકશે, પરંતુ મહત્વની વાત તેણે એકંદરે ઝડપથી રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો મેળવી લીધો તે છે. તેણે પોતાની આ યાત્રામાં કેટલીક વખત તો સામે પ્રવાહે તરવા જેવી હિંમત બતાવી છે.
તેણે ઉભા કરેલા એક પ્રકારના આદર્શવાદ, મફત સેવાઓ વગેરે આપવાની જાહેરાતો વગેરે બાબતો પ્રજાના મોટા વર્ગને સ્પર્શી ગઇ અને વળી કેટલાક સ્થળે સ્થાનિક પ્રકારના પરિબળોએ પણ તેને મદદ કરી. જેમ કે આપણા ગુજરાતમાં પાટીદાર ફેકટરના કારણે આ પક્ષને પગ ઠેરવવામાં અને ત્રીજા વિકલ્પ તરીકે કાઠું કાઢવામાં કંઇક સફળતા મળી. હવે તે પોતાની સ્થિતિ કેટલે અંશે મજબૂત બનાવી શકે છે અને હજી કેટલું કાઠું કાઢી શકે છે તે જોવાનું રહે છે. જો તે પુરતું જોર નહીં બતાવી શકે તો સમય જતા તેની સ્થિતિ પણ એનસીપી અને ટીએમસી જેવી થઇ શકે છે.