બારડોલી : બારડોલીના (Bardoli) હીરાચંદ નગરમાં આવેલા ફ્લેટમાંથી (Flat) વહેલી સવારે સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડા (Cash) રૂપિયા સહિત કુલ 1.75 લાખથી વધુ રૂપિયાની ચોરી (stealing) થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. દેરાણી-જેઠાણી ફ્લેટનો દરવાજો બહારથી બંધ કરી દેરાસર ગઈ હતી. એ સમયે તસ્કરોએ દરવાજો ખોલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
બારડોલીના હીરાચંદ નગરમાં આવેલા સાઈ દર્શન એપાર્ટમેન્ટમાં ઘર નં.5માં રહેતા યોગેશ અરવિંદ શાહ (ઉં.વ.49) શેર દલાલીનું કામ કરે છે. તેઓ તેની પત્ની બીનીતા, પુત્રી સ્વરા, મોટાભાઇ ધર્મેશ શાહ, ભાભી કામિનીબેન અને ભત્રીજા પ્રિયંક (ઉં.વ.27) સાથે રહે છે. પ્રિયંકને બ્રેઇન હેમરેજ હોય તે છેલ્લા સવા વર્ષથી કોમામાં હોય તેના માટે એપાર્ટમેન્ટના ત્રીજા માળે અલગ રૂમમાં રાખેલ છે.
ગત 5મી એપ્રિલ 2023ના રોજ સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં યોગેશભાઈ તેમની દૈનિક ક્રિયામાં વ્યસ્ત હતા. જ્યારે તેમની પત્ની બીનીતા અને ભાભી કામિની સવારે ફ્લેટને બહારથી બંધ કરી જૈન દેરાસરે ગઈ હતી. થોડા સમય બાદ ધર્મેશભાઈ તેમના પુત્રના રૂમ પરથી ફ્લેટમાં આવી તેમના રૂમમાં ગયા હતા. રૂમમાં વેરવિખેર પડેલા સામાનને જોઈને તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. બેડ પર કબાટમાં રાખેલ સ્ટીલનો ડબ્બો અને તમામ સરસામાન વેરવિખેર પડેલો હતો. ત્યારબાદ બીનીતા અને કામિની પણ ઘરે આવી જતાં તપાસ કરતાં કબાટની અંદર લોકરમાં રાખેલા પાકીટમાં રૂ.1.60 લાખ રૂપિયા રોકડા અને ઓરિજનલ આધારકાર્ડ, પાનકાર્ડ, વોટર આઈડી કાર્ડ તેમજ મોટરસાઇકલની આર.સી. બુક સહિતની વસ્તુ ગાયબ હતી. તેમજ ડબ્બામાં રાખેલા કામિનીબેનનાં લગ્ન સમયના 30 વર્ષ જૂના દાગીના અંદાજિત સાડા 7 તોલાની પણ ચોરી થઈ ગઈ હતી. આ ઘટના અંગે બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે કુલ 1,75,600 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જાણભેદુ હોવાની શંકા
આ ચોરી કોઈ જાણભેદુ દ્વારા જ કરવામાં આવી હોવાનું પોલીસને શંકા છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ફૂટેજમાં એક શંકાસ્પદ ઈસમ નજરે પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી હોય ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
એક તોલા સોનાની કિંમત માત્ર 2 હજાર રૂપિયા ગણી
પોલીસ દ્વારા ચોરી થયેલાં ઘરેણાંની કિંમત તોલા દીઠ માત્ર 2000 રૂપિયા લગાવવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો છે. કુલ 69 ગ્રામ એટલે કે સાત તોલામાં માત્ર એક ગ્રામ ઓછા સોનાના દાગીનાની ચોરી થઈ હોવા છતાં પોલીસે માત્ર ઘરેણાંની કુલ કિંમત 15,600 રૂપિયા લગાવી છે. પોલીસે 30 વર્ષ જૂનાં ઘરેણાં હોય આટલી કિંમત લગાવી હોવાનું તે વખતની કિંમત લગાવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ઘરમાંથી દોઢ તોલાનું સોનાના મંગલસૂત્રની કિંમત રૂ.3 હજાર, કાનની બુટ્ટી સાથેનો અઢી તોલાનો સોનાનો સેટ જેની કિંમત રૂ.5 હજાર, એક સોનાની વીંટી અડધો ગ્રામ કિંમત રૂ.1 હજાર, બે સોનાની બંગડી બે તોલા કિંમત રૂ.4 હજાર, આઠ ગ્રામની સોનાની ચેન કિંમત રૂ.1600 અને સોનાનું લોકેટ અડધો ગ્રામ કિંમત રૂ.1000 મળી કુલ 15 હજાર 600 રૂપિયા 69 ગ્રામ સોનાની કિંમત લગાવવામાં આવી છે.