નવી દિલ્હી: રાષ્ટ્રીય અભ્યાસક્રમ (National Curriculum) માળખાના નવા મુસદ્દામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓની (Exam) પધ્ધતિમાં અને અભ્યાસક્રમમાં અનેક ફેરફારો સૂચવવામાં આવ્યા છે જે મુજબ દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામોમાં અગાઉના વર્ગમાં પરીક્ષાર્થીએ મેળવેલા ગુણ પણ ગણતરીમાં લેવામાં આવશે. આ ઉપરાંત ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવશે.
નેશનલ કરીકુલમ ફ્રેમવર્ક(એનસીપી) કે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમાં એવી દરખાસ્ત પણ છે કે ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગોને સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ શાખાઓમાં વહેંચવાની વર્તમાન નીતિ દૂર કરવામાં આવે અને વિદ્યાર્થી પોતાની પસંદગી મુજબના વિષયો પસંદ કરી શકે તે માટે તેને વધુ અનુકૂળતા આપવામાં આવે. અભ્યાસક્રમના આઠ વિસ્તારો સૂચવવામાં આવ્યા છે જે આ મુજબ છે – માનવજીવન વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યુટિંગ, વ્યવસાયલક્ષી શિક્ષણ, શારીરિક શિક્ષણ, વિનયન શિક્ષણ, સમાજ વિજ્ઞાન, વિજ્ઞાન અને આંતરશાખાકીય વિસ્તારો. માધ્યમિત તબક્કાને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે – ધોરણ ૯-૧૦ અને ધોરણ ૧૧-૧૨. બોર્ડ અભ્યાસક્રમના ક્ષેત્રો જેવા કે વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, માનવજીવન અભ્યાસ ધોરણ ૯ અને ૧૦માં આપવામાં આવશે. જ્યારે ઇતિહાસ, ભૌતિક વિજ્ઞાન, ભાષા વગેરેનો અભ્યાસ ધોરણ ૧૧ અને ૧૨મા પુરો પાડવામાં આવશે. ધોરણ દસની પરીક્ષા પાસ કરતા પહેલા વિદ્યાર્થીએ આઠ અભ્યાસક્રમ ક્ષેત્રોમાંથી દરેકમાંથી બે વિષયનો અભ્યાસ કર્યો હોવો જોઇશે. ધોરણ ૧૧ અને ૧૨ના અભ્યાસને સેમેસ્ટરોમાં વહેંચવામાં આવશે અને દરેક સેમેસ્ટરમાં પસંદગી આધારિત અભ્યાસ કરવાનો રહેશે. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરવા માટે ૧૬ પસંદગી આધારિત કોર્સીસ વિદ્યાર્થીએ પુરા કર્યા હોવા જોઇશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખામાં આ પહેલા ચાર વખત ૧૯૭પ, ૧૯૮૮, ૨૦૦૦ અને ૨૦૦પના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવો સૂચિત સુધારો આ માળખામાં પાંચમો ફેરફાર હશે.