નવી દિલ્હી : ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ક્રિકેટ (Cricket) સંબંધે ચાલી રહેલો ઝઘડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વર્ષે વન ડે વર્લ્ડકપ ભારતમાં રમાવાનો છે, જેને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે અને અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ ટીમ વ ડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં આવે અને પોતાની વન ડે વર્લ્ડકપની મેચ તટસ્થ સ્થળે રમાડવાની માગ કરી છે. જો કે બીસીસીઆઈ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પણ એવા અહેવાલો સામે આવ્યા છે કે આઇસીસી બોર્ડની બેઠકમાં પાકિસ્તાનની વર્લ્ડકપની મેચો બાંગ્લાદેશમાં રમાડવાના વિકલ્પ પર ચર્ચા થઇ છે. આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
- ભારતીય ટીમ એશિયા કપમાં ન્યૂટ્રલ વેન્યૂ પર પોતાની મેચો રમવાની હોવાથી પાકિસ્તાને પણ નવો પેંતરો અજમાવ્યો
- દુબઇમાં મળેલી આઇસીસી બોર્ડની બેઠકમાં પાકિસ્તાનની મેચો બાંગ્લાદેશમાં રમાડવાના વિકલ્પ પર ચર્ચા થઇ હોવાના અહેવાલ
એક સ્પોર્ટસ વેબસાઇટના અહેવાલ અનુસાર આ અંગે આઇસીસી લેવલની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને બંને દેશ વચ્ચેની રાજકીય તંગદીલીને ધ્યાને લઇને એવા વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની વર્લ્ડકપની મેચો બાંગ્લાદેશમાં આયોજીત થાય. દુબઈમાં આઇસીસી બોર્ડની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા થયાના અહેવાલો છે. આ સમગ્ર મામલો એશિયા કપના ઘટનાક્રમ પછી સામે આવ્યો છે. એશિયા કપની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પાકિસ્તાનમાં પોતાની ટીમ મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તે પછી એવું નક્કી થયું હતું કે એશિયા કપની ભારતીય ટીમની મેચો તટસ્થ સ્થળે રમાડવામાં આવશે. તેના માટે શ્રીલંકા, યુએઇ અને ઇંગ્લેન્ડના નામો ચર્ચામાં આવ્યા હતા. એ ઉલ્લેખનીય છે કે એશિયા કપ બાબતે બીસીસીઆઇના વલણને લઈને પાકિસ્તાન ભારતને વારંવાર ધમકીઓ આપતું રહ્યું છે કે જો ભારત અહીં આવીને ક્રિકેટ નહીં રમે તો તે આ વર્ષે ભારતમાં યોજાનારા વન ડે વર્લ્ડકપમાં નહીં રમે.