મુંબઈ: અભિનેત્રી (actress) અનુષ્કા શર્મા (Anushka Sharma) પુરસ્કાર સમારંભ અથવા સ્ટેજ શોમાં (Stage Show) તેની પરફોર્મેન્સ પર કોપીરાઈટની પ્રથમ માલિકી ધરાવે છે અને આ કારણથી જ્યારે તે તેમાંથી આવક મેળવે છે તે સેલ્સ ટેક્સ ચુકવવા માટે જવાબદાર છે, એમ સેલ્સ ટેક્સ ખાતાએ મુંબઈ હાઈ કોર્ટમાં કહ્યું હતું. ફી લઈને આ પ્રકારના કાર્યક્રમોના પ્રોડ્યુરોને તે કોપીરાઈટ હસ્તાંતરીત કરે છે તેને વેચાણ માનવામાં આવે છે, એમ ખાતાએ કહ્યું હતું.
- ફી લઈને આ પ્રકારના કાર્યક્રમોના પ્રોડ્યુરોને તે કોપીરાઈટ હસ્તાંતરીત કરે છે તેને વેચાણ માનવામાં આવે છે: સેલ્સ ટેક્સ ખાતું
- અનુષ્કાએ ચાર અરજીઓ દાખલ કરી હતી જેના જવાબમાં ખાતાએ પોતાનું સોગંદનામું બુધવારે દાખલ કર્યું હતું
- વ્યાજ સહિત સેલ્સ ટેક્સની માગ 2013-14 માટે રૂ. 1.6 કરોડ
અનુષ્કાએ ચાર અરજીઓ દાખલ કરી હતી જેના જવાબમાં ખાતાએ પોતાનું સોગંદનામું બુધવારે દાખલ કર્યું હતું.
મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ હેઠળ 2012થી 2016 વચ્ચેના આકારણી વર્ષો માટે ટેક્સની માગણી કરતા સેલ્સ ટેક્સના ડેપ્યુટી કમિશનર દ્વારા પસાર કરાયેલા ચાર આદેશોને અનુષ્કાએ અદાલતમાં પડકાર્યા હતા. અનુષ્કાએ દલીલ કરી હતી કે જે અભિનેતા ફિલ્મ, જાહેરાત અથવા સ્ટેજ-ટીવી શોમાં અભિનય કરે છે તેને સર્જક અથવા નિર્માતા કહી શકાય નહીં, અને તેથી તેની પાસે તેના પર કોપીરાઈટ નથી.
જસ્ટિસ નીતિન જામદાર અને અભય આહુજાની ડિવિઝન બેન્ચ સમક્ષ બુધવારે દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ટેક્સ ઓથોરિટીએ આ મતને પડકાર્યો હતો. બેન્ચે કહ્યું કે તે આ મામલે ગુરુવારે સુનાવણી કરશે. અનુષ્કા શર્મા કોપીરાઈટ એક્ટ હેઠળ એક કલાકાર હતી કારણ કે તેના દરેક કલાત્મક પ્રદર્શનમાં કોપીરાઈટ બને છે, એમ સેલ્સ ટેક્સ ખાતાએ કહ્યું હતું. આકારણી વર્ષ 2012-13 માટે વ્યાજ સહિત સેલ્સ ટેક્સની માગ રૂ. 1.2 કરોડ હતી અને 2013-14 માટે રૂ. 1.6 કરોડ હતી.