અમદાવાદ, ભરૂચ: નકલી પીએમઓ (PMO) અધિકારી બનીને લોકો સાથે ઠગાઈ કરનાર કિરણ પટેલ (Kiran Patel) અને તેની પત્ની માલિની વિરુદ્ધ અમદાવાદ (Ahmedabad) શહેરમાં કરોડો રૂપિયાનો બંગલો (Bunglow) પચાવી પાડવાના મામલે પૂર્વ મંત્રીના ભાઈ દ્વારા કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે. મધરાત્રે ગુપ્ત રીતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જંબુસરના ઠેકાણા પર ત્રાટકી હતી. ખાસ કરીને દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા મહાઠગ કિરણ પટેલના કારનામા છાપરે ચડીને પોકારી રહ્યાં હોવા છતાં પણ તેની પત્નીને છેક જંબુસરમાં પનાહ કઈ રીતે આપી હોય એ પોલીસ માટે તપાસનો વિષય છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અમનપુર સ્થિત રૂદ્ર બંગલો સોસાયટીમાં માલિની પટેલે તેના સગાસંબંધીઓને ત્યાં આસરો લીધો છે. આ બાતમીના આધારે સોમવારે મધરાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અમનપુર પહોંચી હતી. જે અંગે સ્થાનિક પોલીસને કોઈ અણસાર શુદ્ધાં આવવા દીધો ન હતો. સગાસંબંધીને ત્યાં આસરો મેળવનાર કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. માલિની પટેલે છેલ્લાં ચારેક દિવસથી અહીં આસરો મેળવ્યો હતો.
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર કરોડો કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાના મામલે પૂર્વ મંત્રીના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈને કિરણ પટેલે પીએમઓના અધિકારી તરીકે ઓળખાણ આપી બંગલો રીનોવેશન કરવાનું કહી બંગલો પચાવી પચાવી પાડવાનો પ્લાન બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારથી તે ફરાર હતી. કિરણ પટેલ સામે પણ ફરિયાદ દાખલ થયેલી છે. કિરણ પટેલ હાલમાં શ્રીનગર જેલમાં છે, તેને ટ્રાન્સફર વોરંટ થી અમદાવાદ લાવવામાં આવશે.
સિંધુભવન રોડ પર કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાનો શું હતો મામલો?
આ ફરિયાદની વિગતમાં શીલજમાં રહેતા પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડા જમીન લે- વેચનું કામ કરે છે. શીલજમાં આવેલો તેમનો બંગલો વેચવાનો હતો. આ વાતની જાણ કિરણ પટેલને થતાં કિરણ પટેલે જગદીશ ચાવડાના પત્નીને ફોન કરી બંગલો વેચવો હોય તો પોતે લે-વેચનું કામ કરે છે. તેમ કહી વાતચીત કરી જગદીશ ચાવડાના બંગલે ગયો હતો. ત્યારે કિરણ પટેલે જગદીશભાઈ સાથે વાત કરતા કહ્યું હતું કે બંગલાનું રિનોવેશન કરવામાં આવે તો ઝડપથી બંગલો વેચી શકાય અને વધુ કિંમત પણ મળી શકે. આમ કહી તે ત્યાંથી નીકળી ગયો હતો, અને બાદમાં બીજી વખતની મુલાકાતમાં ડિલ નક્કી કરી બંગલાનું 30થી 35 લાખમાં રિનોવેશન કરવાનું નક્કી કર્યું હતું. બે દિવસ પછી કિરણ પટેલની પત્ની માલિની ઇન્ટિરિયર ડિઝાઇનરને લઈ બંગલે પહોંચી ગઈ હતી, અને રિનોવેશનનું કામકાજ શરૂ કરી દીધું હતું.
બીજી તરફ જગદીશભાઈ ચાવડા બંગલો ખાલી કરીને અન્ય મિત્રના બંગલામાં શિફ્ટ થયા હતા અને પછી તેઓ જુનાગઢ ગયા ગયા હતા. દરમિયાનના કિરણ પટેલે આ બંગલામાં વાસ્તુપૂજન કરી દીધું હતું. આ વાત જગદીશભાઈને જાણ થતાં જગદીશભાઈ બંગલા ઉપર પહોંચ્યા હતા. કિરણ સાથે વાતચીત કરી હતી, ત્યારે કિરણે કહ્યું હતું કે અદાણીમાં મોટું કામ મળ્યું છે, તેનું પેમેન્ટ આવતા જ બંગલાનું પેમેન્ટ કરી દઈશ. આમ કહી તે અધૂરું કામ મૂકીને કિરણ જતો રહ્યો હતો. બાદમાં ઓગસ્ટ 2022માં જગદીશભાઈને મીરઝાપુર કોર્ટમાંથી નોટિસ મળી હતી. જેમાં કિરણ પટેલે બંગલા ઉપર દાવો કર્યો હતો. જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.