ડેટા લીક અને ડેટા થેફ્ટ જેવા શબ્દો હવે નવા નથી. સરકારની અને સામાન્ય લોકોની વિવિધ ડેટા બેઝ પર સંગ્રહાયેલી વિવિધ માહિતીઓ લીક થઇ જાય કે આ માહિતીઓની ચોરી થાય અને તેનો દુરૂપયોગ થાય તેવું હવે ઘણી વખત બને છે. આધાર ડેટા બેઝમાં દેશભરના લોકોની વિવિધ માહિતી સંગ્રહાયેલી છે, જેમ કે લોકોના નામ, સરનામા, ફોન નંબરો વગેરે. આવકવેરા ખાતાના ડેટા બેઝમાં પાન ધારકોની તો વધુ સંવેદનશીલ માહિતી સંગ્રહાયેલી છે જેમાં તે લોકોની આવક, ફોન નંબરો, ઇ-મેઇલ આઇડી, ફોન નંબરો વગેરેનો સમાવેશ થાય છે.
આવા ડેટાની ચોરી થાય તો તેનો ઉપયોગ લોકોને ધમકી આપવા માટે, તેમની પાસેથી નાણા પડાવવા માટે, નાણાકીય છેતરપિંડી વગેરે માટે પણ અપરાધી તત્વો કરી શકે છે. આવા ડેટાની ચોરી નહીં થાય કે તે લીક નહીં થાય તે માટેની ફૂલપ્રૂફ વ્યવ્સ્થા થવી જોઇએ પણ કમભાગ્યે આવી વ્યવસ્થા થતી નથી અને થાય છે તો નિષ્ફળ જાય છે અને આવા ડેટા બ્રીચના બનાવો બનતા રહે છે. અજાણ્યા નંબરો પરથી લોકોને ફોન કોલ આવે અને તેમને ફસાવીને તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરવામાં આવે તે આવા ડેટા થેફ્ટનું જ ઘણી વખત પરિણામ હોય છે. હાલમાં ડેટા લીક અને ચોરીનું એક ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે જે ચોંકાવનારુ છે.
જેની રાષ્ટ્રીય સુરક્ષા પર અસર થઇ શકે છે તેવા આ વ્યાપક ડેટા બ્રીચના બનાવમાં દેશના ૨.૫૫ લાખ સંરક્ષણ કર્મચારીઓની વિગતો તથા ૧૬.૮ કરોડ નાગરિકોના અંગત અને ગોપનીય ડેટા લીક થઇ ગયા હોવાની માહિતી બહાર આવી છે અને આવા સંવેદનશીલ ડેટાની ચોરી અને વેચાણ સાથે સંકળાયેલી એક ગેંગના સાત સભ્યોની તેલંગાણાની સાયબરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આરોપી વ્યક્તિઓ ૧૪૦ વિવિધ કેટેગરીઓની માહિતીનું વેચાણ કરતી જણાઇ હતી, તેઓ જે ડેટા વેચી રહ્યા હતા તેમાં સંવેદનશીલ માહિતી જેવી કે સંરક્ષણ કર્મચારીઓની વિગતો અને નાગરિકો તથા નીટના વિદ્યાર્થીઓના મોબાઇલ નંબરો વગેરેનો સમાવેશ થાય છે એમ સાયબરાબાદના પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
સાત ડેટા બ્રોકરોની ધરપકડ દિલ્હીમાં થઇ છે એમ જણાવતા પોલીસે ઉમેર્યું હતું કે આરોપીઓ ત્રણ કોલ સેન્ટરોમાંથી ઓપરેટ કરતા હતા. અત્યાર સુધી એવું જણાયું છે કે આરોપીઓએ ઓછામાં ઓછા ૧૦૦ ફ્રોડસ્ટરોને આ ડેટા વેચ્યા હતા, જે ડેટાનો ઉપયોગ તે લોકો સાયબર અપરાધો કરવા માટે કરે છે. સંરક્ષણ કર્મચારીઓના સંવેદનશીલ ડેટામાં તેમની રેન્કો, ઇમેઇલ આઇડીઝ, પોસ્ટિંગનું સ્થળ વગેરે આરોપીઓ પાસે ઉપલબ્ધ હોવાનું જણાયું છે. આની ગંભીર અસરો દેશની સુરક્ષા પર થઇ શકે છે.
સંરક્ષણ અને સરકારી કર્મચારીઓની માહિતીનો ઉપયોગ જાસૂસી માટે થઇ શકે છે. તેમનો સ્વાંગ રચવા માટે કે રાષ્ટ્રીય સુરક્ષાને ભયમાં મૂકી શકે તેવા ગંભીર ગુનાઓ આચરવા માટે થઇ શકે છે. અમે એ શોધી રહ્યા છીએ કે કઇ રીતે આ ડેટા લીક થઇ ગયો અને તે લીક કરનાર અંદરના લોકો કોણ છે એમ પોલીસે વધુમાં જણાવ્યું હતું. નાગરિકોના લીક થયેલા ડેટામાંથી સંવેદનશીલ ડેટામાં પાનકાર્ડ ડેટાબેઝનો સમાવેશ થાય છે જેમાં પાન ધારકોની આવક, ઇ-મેઇલ આઇડીઝ, ફોન નંબરો, તેમના સરનામા વગેરેનો સમાવેશ થાય છે. નીટના વિદ્યાર્થીઓના ડેટા પણ આરોપીઓ પાસેથી મળી આવ્યા છે જેમાં તેમના નામો, મોબાઇલ નંબરો, સરનામાનો સમાવેશ થાય છે.
ડેટા બ્રીચની આ ઘટના ઘણી જ ગંભીર છે. તેમાં દેશના સંરક્ષણ કર્મચારીઓને લગતી કેટલીક સંવેદનશીલ માહિતીઓની પણ ચોરી થઇ છે જે દેશની સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. નાગરિકોના જે ડેટા લીક થયા છે તેમાં પાનકાર્ડ ધારકોની આવક, તેમના ફોન નંબરો વગેરેનો પણ સમાવેશ થાય છે, સ્વાભાવિક રીતે આ ડેટાનો ઉપયોગ લોકોને ધમકીઓ આપવા કે તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરવા માટે થઇ શકે છે. સાયબરાબાદ પોલીસની વાત સાચી છે કે આ ડેટા લીકમાં અંદરના લોકો શામેલ હોઇ શકે છે. નાણાની લાલચે સરકારી કર્મચારીઓ પણ કેટલી નીચી હદે જઇ શકે છે તેનું આ ઉદાહરણ છે. સંપૂર્ણ તપાસ કરીને આવા તમામ દુષ્ટ તત્વોને પકડવાની જરૂર છે.