સુરત: લિંબાયત ખાતે થોડા દિવસ પહેલા ગર્ભપાત (Abortion) કરાવીને નવજાત ભૃણને ફેંકી દેવાના કેસમાં પોલીસે (Police) ગર્ભપાત કરાવનાર દંપતિની ધરપકડ કરી છે. આ દંપતિને ત્રણ બાળકો છે અને ચોથું બાળક ન જોઈતું હોવાથી મહારાષ્ટ્રથી (Maharastra) સુરત (Surat) આવીને ગર્ભપાત કરાવ્યો હતો
લિંબાયત વિસ્તારમાં આવેલા રણછોડનગર ખાતે ખાડી કિનારે આવેલા શિખા હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી આવેલા દંપતીએ ગર્ભપાત કરાવડાવ્યો હતો. લિંબાયતમાં આવીને ગર્ભપાત કરાવ્યા બાદ બાળકને નર્સ પાસેથી ફેંકી દેવડાવી રવાના થઈ ગયા હતા. સીસીટીવીના આધારે પોલીસે નર્સની ધરપકડ કરી હતી. ત્યારે લિંબાયત પોલીસે મહારાષ્ટ્ર જઈ બાતમીને આધારે બાળકના જન્મ પહેલા જ ગર્ભપાત કરાવી ભૃણની હત્યા કરનાર માતા કાન્હો પાત્રા પઠાડે અને પિતા જ્ઞાનેશ્વર પઠાડેની ધરપકડ કરી છે.
દંપતિની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના બાભુલ ગાંવ ખાતે રહે છે. પતિ-પત્ની બંને મહારાષ્ટ્રમાં મજૂરી કામ કરીને ઘર ચલાવે છે. બંનેને પરિવારમાં ત્રણ બાળકો છે. જેનું ભરણપોષણ મજૂરી કામ કરીને કરી રહ્યા છે. ત્યારે ચોથી વખત ગર્ભ રહી જતા બાળક ન જોઈતું હોવાથી તેઓ ગર્ભપાત કરાવવા માંગતા હતા. મહારાષ્ટ્રમાં તે પકડાઈ જશે તેવા ડરથી સંબંધીનો સંપર્ક કરીને સુરત ખાતે લિંબાયતની શિખા હોસ્પિટલમાં આવ્યા હતા. ગત 17 માર્ચે સુરત આવીને પત્ની કાન્હો પાત્રા પઠાડેનો ગર્ભપાત કરાવી બાળકને નર્સ પાસેથી ફેંકી દેવડાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ડોક્ટર વિરેન્દ્ર પટેલ દ્વારા મહિલાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. તે અંગે ગુનો નોંધાતા પાંચ વર્ષથી વોન્ટેડ હતો. અને સુરતની પીસીબી પોલીસે ડોક્ટર વિરેન્દ્ર પટેલની પખવાડિયા પહેલા ધરપકડ કરી હતી. હાલ તે મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.
કીમ ચાર રસ્તાના સિલ્વર પ્લાઝાની ઓફિસમાંથી તસ્કરો તિજોરી ઉઠાવી ગયા
હથોડા: કીમ ચાર રસ્તા ખાતે લાંબા સમય બાદ સક્રિય થયેલા તસ્કરો ગત રાત્રે સિલ્વર પ્લાઝા ખાતે આવેલી એન ટેક્સ ટ્રાન્સપોર્ટેશન ઈ-કાર્ડની ઓફિસમાં ઘૂસ્યા હતા. જ્યાંથી તસ્કરો રૂપિયા બે લાખ ભરેલી તિજોરી ઉઠાવી ગયા હતા.
ઘટનાની વિગત એવી છે કે, કીમ ચાર રસ્તાના ભરચક એરિયામાં આવેલા સિલ્વર પ્લાઝા ખાતે એન ટેક્સ ટ્રાન્સપોર્ટેશન ઈ-કાર્ડની ઓફિસ આવેલી છે, જેમાં ગત રાત્રે તસ્કરો ઓફિસની શટરનું તાળું તોડી લાકડાથી શટર ઊંચું કરી ઓફિસમાં ઘૂસ્યા હતા. બાદ આ તસ્કરો આખી તિજોરી ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ચોરો ઓફિસમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. તિજોરીમાં રૂપિયા બે લાખથી વધુ રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ પાલોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ચોરીના બનાવ અંગે ઓફિસના મેનેજર સાર્થકભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.