SURAT

હચમચાવી નાંખતી ઘટના: શિક્ષકના માટલામાંથી પાણી પીતા શિક્ષકે બાળકને ઢોર માર મારતાં મોત

સુરત : રાજસ્થાનના (Rajasthan) ઝાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામમાં શાળાના સંચાલક અને આચાર્ય છૈલસિંહે દલિત બાળક ઇન્દ્રને પાણી પીવા મામલે ખૂબ માર માર્યો હતો. જેને કારણે દલિત બાળક ઇન્દ્રનું સારવાર દરમિયાન મોત (Death) થયું હતું. જેથી આવી ઘટના કોઈ પણ શાળામાં (School) ન બને તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ તકેદારી રાખવા સંચાલકો અને આચાર્યોને સૂચના આપી છે.

રાજસ્થાનના ઝાલોરના સાયલા તાલુકાના સુરામાં ગામમાં સરસ્વતી વિદ્યાલય કાર્યરત છે. જે ખાનગી શાળા છે. આ જ શાળામાં ત્રીજા ધોરણમાં નવ વર્ષનો દલિત વિદ્યાર્થી ઇન્દ્રકુમાર મેઘવાળ અભ્યાસ કરતો હતો. જેને સંચાલક અને શિક્ષકે ખૂબ જ માર માર્યો હતો. મારઝૂડ બાદ ઇન્દ્રકુમારને સારવાર અર્થે અલગ અલગ જગ્યાએ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધાર આવ્યો ન હતો. અંતે ઇન્દ્રકુમારની હાલત ગંભીર થતા જ અમદાવાદ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે સારવાર દરમિયાન પોતાનો દમ તોડી દીધો હતો.

આ જ મામલે ઇન્દ્રકુમારના માતા-પિતા સહિતના પરિવારે પોલીસને લેખિત ફરિયાદ આપી હતી કે હંમેશાંની જેમ 20 જુલાઈના રોજ બાળક સ્કૂલ ગયું હતું. લગભગ 11 વાગ્યે તેને તરસ લાગતાં તેણે માટલામાંથી પાણી પીધું. એ નાદાન હતું, તેને ખબર નહોતી કે માટલું ઉજળિયાત વર્ગના શિક્ષક છૈલસિંહ માટે અલગ મૂકી રાખવામાં આવ્યું હતું. છૈલસિંહે વિદ્યાર્થી ઇન્દ્રકુમાર મેઘવાળને કહ્યું નીચ જાતિનો થઈને મારા માટલામાંથી પાણી કેમ પીધું અને આવું બોલીને તેને માર માર્યો. જેના કારણે તેના ડાબા કાને અને આંખના અંદરના ભાગે ઈજા થઈ હતી.

જિલ્લા શિક્ષણાધિકારીઓને તકેદારી રાખવા સૂચના
આવી ઘટના બનતા જ રાજ્ય સરકારના અનુસુચિત જાતિ અને કલ્યાણ વિભાગે શિક્ષણ વિભાગની સાથે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખતા જણાવ્યું છે કે આવી ઘટના સમગ્ર શૈક્ષણિક જગત માટે એક શરમજનક બાબત છે તેમજ દેશના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કલંકરૂપ ઘટના છે. આવા પ્રકારના ગંભીર બનાવો રાજ્યની શાળામાં ન બનવા પામે તે અત્યંત જરૂરી હોઈ આપના તાબા હેઠળની શાળાઓમાં આવી ઘટના નહીં બને તે અંગે ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવે છે.

Most Popular

To Top