ગાંધીનગર: વિપક્ષે પહેલા તો ‘ડ્રગ્સ પકડાયું’ અને ‘ડ્રગ્સ પકડ્યું’ આ બંને વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. ગુજરાતની (Gujarat) બહાદુર પોલીસ (Police) દ્વારા અનેક દિવસો સુધી પરિવારથી દૂર રહીને આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર વોચ રાખી કરોડો રૂપિયાના ડ્રગ્સ (Drugs) પકડ્યા છે. પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોમાંથી ડ્રગ્સની મોટા પાયે થતી હેરાફેરીના કિસ્સાઓમાં ગુજરાત પોલીસની સતર્કતા અને કડકાઈને કારણે હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોના માર્ગો મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવા મજબૂર બન્યા છે, તેવુ આજે વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતુ કે, ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટરની દરિયાઈ સીમા હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી સદંતર બંધ કરવા તૈયાર કરાયેલા એક્શન પ્લાનથી ડ્રગ્સ માફિયાઓએ હવે ગુજરાતમાં જ નહિ અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ ઘુસાડવા માટે રસ્તા બદલવા પડ્યા છે. ગુજરાતની આ ડ્રગ્સ સામેની પ્રતિબદ્ધતાને કારણે વિવિધ રાજ્યોની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ વિરોધી એક્શન પ્લાન સમજવા ગુજરાત આવી રહ્યા છે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં, રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તથા ડ્રગ્સ એડિક્ટ બનેલા યુવાનો આ નશામાંથી ત્વરિત મુક્તિ મેળવે તે માટે રીહેબિલેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ડ્રગ્સ નાબૂદી માટે “ડ્રગ્સ રિવોર્ડ પોલીસી” જાહેર કરનાર દેશભરનું સર્વપ્રથમ રાજ્ય પણ ગુજરાત છે.
ગુજરાત પોલીસ દ્વારા અદાણી પોર્ટ જ નહીં પરંતુ કલકત્તાના પોર્ટ ઉપરાંત પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ઘુસીને પણ ડ્રગ્સ પકડવાનું હિંમતભર્યું કામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પંજાબનું આ નેટવર્ક તોડવામાં પણ સેન્ટ્રલ એજન્સી ઉપરાંત ગુજરાત પોલીસનો સહયોગ રહ્યો છે. વર્ષ ૨૦૨૧ મુજબ ગુજરાતનું ભારતમાં નાર્કોટિક્સ ગુનાઓમાં સ્થાન સૌથી નીચે છે. નાર્કોટિક્સ ગુનાઓમાં રાજસ્થાનનો ક્રાઈમ રેટ ૩.૮ તથા પંજાબનો ક્રાઇમ રેટ ૩૨.૮ છે .આજે કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારમાં ગુજરાતનો એનડીપીએસ ગુનાઓમાં ક્રાઇમ રેટ માત્ર ૦.૭ ટકા છે, જે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં સૌથી ઓછો છે.
વર્ષ ૨૦૨૨ દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનથી આવા અનેક કેસોમાં ગુના દાખલ થયા છે, જેમાં તા.૨૫/૦૪/૨૦૨૨ના રોજ રૂ.૧૦૫૨ કરોડની કિંમતનો ૨૧૦,૪૯૫ કિલોગ્રામ હેરોઇનનો જથ્થો પાકિસ્તાનના કરાચી બંદરેથી “અલ-હઝ” નામની બોટમાંથી ભરી લાવી જખોના દરીયામાં ડીલવરી કરતા ભારતીય જળ સીમામાંથી પકડવામાં આવેલ જેમા કુલ- ૯ પાકિસ્તાની આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા હતા.