Gujarat

અંબાજી થી ઉમરગામ વિસ્તારમાં છાત્રાલયોમાં ત્રણ કરોડના ખર્ચે સોલાર વોટર હીટર સિસ્ટમ લગાવાશે

ગાંધીનગર: સરકારી છાત્રાલયોમાં ભણતા વિદ્યાર્થીઓને (Student) હોસ્ટેલમાં (Hostel) નાહવા માટે ગરમ પાણીની સુવિધા મળી રહે તે માટે આગામી વર્ષે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારની સરકારી છાત્રાલયોમાં રૂ. ૩ કરોડના ખર્ચે સોલાર વોટર હીટર સિસ્ટમ લગાવશે.

આજે વિધાનસભામાં ખાતે દાહોદ જિલ્લાના સરકારી છાત્રાલયોમાં સોલર વોટર હીટર સિસ્ટમના પ્રશ્નના લેખિત જવાબમાં ક્લાઈમેટ ચેન્જ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતુ કે, છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં છ સ્થળોમાં ૧૯,૦૦૦ લિટર પ્રતિદિનની રૂ. ૩૦,૪૫,૮૫૦ના ખર્ચે ૧૨ સોલર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ,એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો તથા યાત્રાધામોના વિશ્રામ ગૃહોમાં સો ટકા સરકારી સહાયથી સોલર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવે છે. દર ૧૦૦ લીટર પ્રતિ દિવસ ક્ષમતાની સોલાર વોટર હીટર સિસ્ટમના ઉપયોગથી વાર્ષિક અંદાજે ૭૦૦ વીજ યુનિટની બચત થાય છે એટલે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૯૨,૫૦૦ લીટરની ક્ષમતાની સોલર વોટર હીટર સિસ્ટમ સ્થાપવામાં આવેલ છે. જે થકી ૬,૪૭,૫૦૦ વીજ યુનિટની બચત થયેલ છે.

Most Popular

To Top