ગાંધીનગર: રાજ્યના નાગરિકોએ પેટ્રોલ, ડીઝલ, સીએનજી (CNG) અને પીએનજીનો (PNG) ભાવ વધારે ન ચૂકવવો પડે તે માટે આ વર્ષના બજેટમાં (Budget) વેરાના દરમાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા એક વર્ષમાં વેટ દર ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા દર નક્કી કરાયો છે. તેવું નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.
વિધાનસભામાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીના દર અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન વેટ કાયદા હેઠળ પેટ્રોલ અને ડીઝલના વેટ દરમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત હાઉસહોલ્ડ ડોમેસ્ટિક કન્ઝ્યુમર માટેના પીએનજીમાં અને રીટેલ કન્ઝ્યુમરના વ્હીકલ માટે ફ્યુલ તરીકે વપરાતા સીએનજીના વેટ દરને ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ પેટ્રોલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર ૧૩.૭ ટકા અને ૪ ટકા સેસ લાગુ છે. જ્યારે ડીઝલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર ૧૪.૯ ટકા અને ૪ ટકા સેસ લાગુ કરવામાં આવેલો છે.