Columns

શું ‘વુમન’ એટલે ‘વાઈફ ઓફ મેન’?

હેપ્પી વિમેન્સ ડે. દર વર્ષે 8 માર્ચે આપણે મહિલાઓને આ રીતે વિશ કરીએ છીએ. ઘણા સ્ટેટ્સ અથવા સ્ટોરી લગાવીને વિશ કરે છે. ઘણા તો ફેસબુક પર 500થી 1000 શબ્દોમાં આખી પોસ્ટ લખી નાખે છે! અલબત્ત, આ પોસ્ટમાં એવું કહેવામાં આવે છે કે મહિલા દિન એક દિવસ પૂરતો સેલિબ્રેટ ન કરવો જોઈએ, રોજ મહિલા દિવસ હોવો જોઈએ. અમુક લોકો એવા પણ હોય છે જે મહિલા દિવસની ઉજવણી વચ્ચે એવો સવાલ લઈને આવે છે કે પુરુષ દિવસ તો ક્યારેય મનાવાતો નથી! એવો રાગ આલાપીને તેઓ બીજાથી અલગ ફૂટેજ મેળવવાની કોશિશ કરતા હોય છે. જવા દો, આ બધી વાત. મહિલા દિવસ વિશે પછી સમજીશું પણ પહેલાં મહિલાને ઓળખવાની કોશિશ કરીએ, એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ ‘વુમન’ શબ્દનો અર્થ શું થાય છે?

તમે કહેશો, આ કેવી વાત કરો છો? વુમન મતલબ મહિલા, સ્ત્રી, નારી. બીજું શું? અલબત્ત, અહીં તમારા ભાષાના જ્ઞાન પર કોઈ શંકા કરવામાં નથી આવી રહી. આજે આપણે જાણવાની કોશિશ કરીએ કે વુમન શબ્દનું ઓરિજિન શું છે? અલબત્ત, સંધિને તોડીને ઓરિજિન શું થાય છે એ સાંભળશો તો ભોંચક રહી જશો! ખરેખર, ભગવાન કસમ!!

ભાષાનો ઇતિહાસ અલગ અલગ રીતે કહેવાયો છે. ભાષાની જર્ની કેવી રહી છે તેના કોઈ સજ્જડ રેકોર્ડસ નથી પણ અલગ અલગ થિયરી છે. વર્તમાન ઇતિહાસકારો અને નિષ્ણાતો જે રેકોર્ડસ છે તેના આધારે તથ્યો શોધવાની કોશિશ કરે છે અને એક લોજિકલ એક્સપ્લેનેશન આપતાં રહે છે. આ રીતે જ ભાષાના વિદ્વાનો છે તેમણે વુમનની સંધિ છૂટી પાડીને એવું સમજ્યું કે – વુમન મતલબ વાઈફ ઓફ મેન. સાંભળવામાં આ થોડું ભેદભાવ ભરેલું લાગે છે, નહીં? ખરેખર પાંચમી સદીમાં બોલવામાં આવતી અંગ્રેજી ભાષામાં મહિલાઓ અને પુરુષો માટે બે અલગ અલગ શબ્દ હતા. વેર (WER) મતલબ વયસ્ક પુરુષ અને મહિલા માટે (WIF) વિફ એટલે વયસ્ક મહિલા. આ ઉપરાંત ત્રીજો એક શબ્દ હતો મેન, જેનો મતલબ એવો થતો હતો કે મનુષ્ય, વ્યક્તિ.

આ શબ્દોને જોડીને પણ બોલવામાં આવતાં હતા, જેમ કે ‘વેર’ અને ‘મેન’ને જોડીને ‘વેરમેન’ એટલે કે – વયસ્ક પુરુષ. અથવા ‘વિફ’ અને ‘મેન’ને જોડીને ‘વિફમેન’ મતલબ કે વયસ્ક મહિલા વ્યક્તિ. જી હા, ઇતિહાસમાં એક સમય એવો હતો જયારે વયસ્ક મહિલા માટે વિફમેન જેવો શબ્દ વપરાતો હતો! તે સમયે જોડણી એટલી વિકસિત ન હતી તેથી કેટલીક વિસંગતિઓ પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે wifmon, wifmanna અને wifmone અથવા પુરુષો માટે weapman પણ સામાન્ય ઉપયોગમાં હતા. જો કે, મધ્યકાલીન યુગ આવતા સુધીમાં ‘wimman’ અને ‘wommon’ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો હતો અને ઈસ 1600 સુધીમાં, આજે આપણે જે શબ્દો જાણીએ છીએ તે શબ્દ સ્થાપિત થઈ ગયા હતા. એક મહિલા માટે ‘વુમન’ (woman) અને એક કરતાં વધુ મહિલાઓ માટે ‘વિમેન’ (women).

વિચારવા જેવી વાત એ છે કે જ્યારે wifmanનો ઉપયોગ મહિલાઓ માટે અને weapman પુરુષો માટે થતો હતો તો પછી તે મહિલાઓ માટે વુમન અને પુરુષો માટે મેન કેમ થઈ ગયું? આનું એક કારણ ‘મેલ ઈઝ આલ્ફા’ થિયરી હોય શકે છે. મેલ ઈઝ આલ્ફા થિયરી ટૂંકમાં સમજો. પુરુષ એટલે આલ્ફા એટલે પુરુષો આ બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને દુનિયા તેમની આસપાસ ફરે છે. આ જે સમયની વાત કરી રહ્યા છીએ તે સમયે માત્ર પુરુષો જ બહાર જઈને કામ કરતા હતા. પુરુષની કમાણીથી ઘર ચાલતું. કુટુંબનો ખ્યાલ રાખવો એ પણ ફક્ત પુરુષો પર કેન્દ્રિત હતું અને પુરુષોને ખાતરી થઈ ગઈ કે તેઓ જ મુખ્ય છે.

તેથી પુરુષ આલ્ફા બની ગયો અને મહિલા ‘વાઈફ ઓફ મેન’ બની ગઈ. આલ્ફાના કાર્યને સરળ બનાવતી મહિલા. જો કે, આ માત્ર એક સંભવિત કારણ હોય શકે છે. વુમન શબ્દ સાથે અન્ય એક થિયરી છે અથવા કહો કે એક ભ્રમણા છે. ભ્રમણા એવી છે કે Woman ‘વુમ્બ’ અને ‘મેન’થી બનેલો શબ્દ છે. વુમ્બ મતલબ ગર્ભાશય. જો કે, આ થિયરીને સાબિત કરી શકાય એવા કોઈ તાર્કિક પુરાવા કે રેકોર્ડસ ભાષાશાસ્ત્રીઓ પાસે નથી.

મેડમ શબ્દનો ઈતિહાસ પણ એવો જ છે. આ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘ડેમ’ પરથી આવ્યો છે. જો કે, ત્યાં આ શબ્દ હવે આપત્તિજનક માનવામાં આવે છે પરંતુ એક સમયે તેનો ઉપયોગ પરિણીત સ્ત્રી અથવા સત્તાના પદ પર રહેલી સ્ત્રીને સંબોધવા માટે કરવામાં આવતો હતો કારણ કે ડેમ લેટિન શબ્દ ડોમિના પરથી ઊતરી આવ્યો છે, જે ‘ડોમિનસ’ના સ્ત્રીલિંગ સ્વરૂપ છે. ડોમિનસ એટલે સ્વામી અથવા માસ્ટર. હવે તેમાં વધુ બે શબ્દો છે. મેલ અને ફીમેલ. લોકો માને છે કે Female શબ્દ પણ male પરથી આવ્યો છે પરંતુ એવું નથી. ફીમેલની ઉત્પત્તિ મૂળ લેટિન ભાષામાંથી આવે છે, Femilla, જેનો અર્થ ‘મહિલા’ થાય છે.

બીજી બાજુ મેલ, જૂની ફ્રેન્ચ ‘masle’ પરથી આવ્યો છે, જે લેટિન શબ્દ ‘મસ્ક્યુલસ’ પરથી ઊતરી આવ્યો છે. સમય જતાં ‘masle મેલ બની ગયું અને 14મી સદીની આસપાસ, મેલ સાથે લાંબા સમય સુધી વપરાયા બાદ ‘Femilla’ને ફીમેલમાં બદલી નાખવામાં આવ્યો હતો. ફીમેલ શબ્દમાં Fe એ કોઈ ઉપસર્ગ નથી. અલબત્ત, આટલા વર્ષો પછી, વર્ષો નહીં સદીઓ પછી પણ મેલનું ડોમિનન્સ કેમ દેખાય છે, તેની પાછળ ઇતિહાસ કારણભૂત છે. એ જમાનામાં પણ મેન આલ્ફા થિયરી ચાલતી હતી.

આટલું જાણી લીધા પછી હવે થોડું એ જાણી લઈએ કે મહિલા દિવસ 8 માર્ચે જ કેમ ઉજવવામાં આવે છે? શું છે આ ઉજવણી પાછળનો હેતુ? શું તે કોઈ વિરોધનું પ્રતીક છે? શું ક્યારેય આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ ઉજવવામાં આવે છે? એક સદી કરતાં પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચને મહિલાઓ માટે ખાસ દિવસ તરીકે ઉજવે છે. તેની શરૂઆત લગભગ એક સદી પહેલાં સમાજવાદી ચળવળોથી થઈ હતી. આજે તેનું સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે. વિશ્વના દરેક ભાગમાં મહિલા દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ કહાનીને વિગતવાર સમજીએ.

1910માં ક્લેરા જેટકીન નામની મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અથવા મહિલા દિવસ, કામદારોની ચળવળમાંથી ઉદ્દભવ્યો હતો, જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ દિવસને ખાસ બનાવવાની શરૂઆત 115 વર્ષ પહેલાં એટલે કે 1908માં થઈ હતી, જ્યારે લગભગ 15000 મહિલાઓએ ન્યૂયોર્ક સિટીમાં પરેડ કાઢી હતી. તેમની માંગ હતી કે મહિલાઓના કામના કલાકો ઘટાડવા જોઈએ. મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય બનાવવાનો વિચાર પણ સૌ પ્રથમ ક્લેરા જેટકીનને જ આવ્યો હતો.

ક્લેરા ડાબેરી કાર્યકર હતી. તે મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતી હતી. તેણીએ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં કાર્યકારી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું. તે કોન્ફરન્સમાં 17 દેશોમાંથી 100 મહિલાઓ સામેલ હતી અને તેઓએ સર્વાનુમતે ક્લેરાના સૂચનને સ્વીકાર્યું હતું. પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. તેની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી. એટલે કે ટેક્નિકલ રીતે આ વર્ષે આપણે 112મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઔપચારિક રીતે 1975માં માન્યતા આપવામાં આવી હતી, જ્યારે સંયુક્ત રાષ્ટ્રે પણ તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું.

આ માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા સૌ પ્રથમ 1996માં થીમ પસંદ કરવામાં આવી હતી. ધીમે ધીમે ઉજવણીનું રૂપ બદલાતું ગયું અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમાજ, રાજકારણ અને આર્થિક ક્ષેત્રમાં મહિલાઓની પ્રગતિની ઉજવણી કરવાનો દિવસ બની ગયો છે, જ્યારે તેની પાછળના રાજકીય મૂળનો હેતુ હડતાળ અને વિરોધનું આયોજન કરીને મહિલાઓ અને પુરુષો વચ્ચેની અસમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

ઘણા દેશોમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર જાહેર રજા પણ રાખવામાં આવી છે. આવા દેશોમાં રશિયાનો પણ સમાવેશ થાય છે, જ્યાં 8 માર્ચની આસપાસ 3થી 4 દિવસમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે. ચીનની વાત કરીએ તો, નેશનલ કાઉન્સિલના સૂચન પર ઘણી મહિલાઓને 8 માર્ચે અડધા દિવસની રજા આપવામાં આવે છે. અમેરિકામાં માર્ચ મહિનો મહિલાઓની તારીખોનો મહિનો છે. દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા એક ઘોષણા જારી કરવામાં આવે છે, જેમાં અમેરિકન મહિલાઓની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવે છે. ઇટાલીમાં 8 માર્ચે મહિલાઓને મિમોસાનાં ફૂલો આપીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા ક્યારે શરૂ થઈ તે સ્પષ્ટ નથી. જો કે, એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત બીજા વિશ્વ યુદ્ધ પછી રોમથી થઈ હતી. ભારતમાં પણ મહિલા દિવસની ઉજવણીનું ચલણ હવે વધી ગયું છે. ઘણી કંપનીઓમાં તે દિવસે મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કંપનીઓમાં કામ કરતી મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે. તેઓને ગિફ્ટ આપવામાં આવે છે.

આપણને એવો સવાલ થાય કે, 8 માર્ચ જ કેમ પસંદ કરવામાં આવી? ક્લેરા જેટકીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું, ત્યારે તેણીના ધ્યાનમાં એવી કોઈ ચોક્કસ તારીખ નહોતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1917માં નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે રશિયાની મહિલાઓએ ‘બ્રેડ એન્ડ પીસ’ની માગણી સાથે ઝારના શાસન વિરુદ્ધ હડતાલ કરી હતી. આ પછી ઝાર નિકોલસ-2 ને તેની ગાદી છોડવી પડી હતી અને ત્યાર પછી બનેલી કામચલાઉ સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો.

આ થીમનો ઉદ્દેશ્ય ટેક્નોલોજી અને ઓનલાઈન શિક્ષણના ક્ષેત્રમાં છોકરીઓ અને મહિલાઓના યોગદાનને સ્વીકારવા અને તેની ઉજવણી કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓ અને છોકરીઓ માટે અસમાનતા પર ડિજિટલ લિંગ તફાવતની અસરની પણ તપાસ કરવામાં આવશે કારણ કે, યુનાઈટેડ નેશન્સનું અનુમાન છે કે જો ઓનલાઈન દુનિયામાં મહિલાઓની પહોંચના અભાવ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેનાથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના કુલ ઘરેલુ ઉત્પાદનને 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે.

જો કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અન્ય મુદ્દાઓ પણ ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વેબસાઈટ જણાવે છે કે તેને ‘મહિલાઓ માટે સકારાત્મક પરિવર્તન લાવવાના પ્લેટફોર્મ’ તરીકે બનાવવામાં આવી છે. આ વેબસાઇટે તેની થીમ તરીકે Embrace Equity પસંદ કરી છે. આ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને કાર્યક્રમો દ્વારા ભેદભાવ સામે અવાજ ઉઠાવવા, પૂર્વગ્રહ તરફ ધ્યાન દોરવા અને દરેક ક્ષેત્રમાં મહિલાઓને સામેલ કરવા માટે અવાજ ઉઠાવવામાં આવશે.

Most Popular

To Top